વડોદરા, તા.૯

વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિર્જન વિસ્તારમાં રસ્તો બનાવી દેવામાં આવતા સર્જાયેલ વિવાદ હજી શમ્યો નથી, ત્યાં જ વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા અણખોલ ટી.પી. ૨૫ અને તેની આસપાસના ર્નિજન વિસ્તારમાં રસ્તા બનાવી દેતા નવો વિવાદ શરૂ થયો છે. આજે પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા અને સામાજિક કાર્યકરે આ રસ્તાઓ અંગે સ્થળની મુલાકાત લીધી હતી.અને આવા નિર્જન વિસ્તારોમાં બનાવાયેલા રસ્તાઓની વિજિલન્સ તપાસની માંગ કરી છે.

વડોદરા શહેરમાં આડેધડ વિકાસ થઈ રહ્યો છે. જ્યાં વસ્તી છે અને વર્ષોથી રોડ બનાવવા માટે માંગણી થી રહી છે જ્યાં સોસાયટી એપાર્ટમેન્ટ બન્યા છે, ત્યાં રસ્તા બનાવવામાં આવતા નથી અને જ્યાં કોઈ આજદિન સુધી કોઈ રહેતુ નથી તેવા ર્નિજન વિસ્તારમાં રસ્તા બનાવી દેવામાં આવે છે.અગાઉ અગાઉ ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આવા ૧૭ રોડની વિજિલન્સની તપાસની માંગ કરી હતી. તો આજે પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમી રાવત અને સામાજિક કાર્યકરે પણ અણખોલ ટીપી નંબર ૨૫ અને વાઘોડિયા ચોકડી પાસે ગુરુકુળની આસપાસના ર્નિજન વિસ્તારમાં રસ્તા તૈયાર થયા છે. તે કોના લાભાર્થે બનાવાઈ રહ્યા છે તેની વિજિલન્સની તપાસની માંગણી કરી છે.

આજે કોર્પોરેશનના વિપક્ષના નેતાએ કહ્યુ હતુ કે, આ બે રસ્તાઓ પૈકી એક રસ્તો ખેતરોમાંથી પસાર થઇ રહ્યો છે, તો બીજાે રસ્તો તળાવની પાળ પાસે પૂરો થાય છે. આ રસ્તાની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. એ જ પ્રમાણે વાઘોડિયા રોડ ચોકડી પાસે ગુરુકુળ વિસ્તારમાં ખેતરોમાં લાખો રૂપિયાના ખર્ચે રસ્તો બનાવી દીધો છે. જે અંગે પણ વિજિલન્સની તપાસની માંગણી કરી છે.