ચોમાસુ આવે એટલે ફેશનેબલ છોકરીઓ એ ચિંતામાં પડી જાય કે હવે સ્ટાઇલિશ કે ડિઝાઈનર વસ્ત્રો શી રીતે પહેરવા? સામાન્ય રીતે આપણા મનમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે વરસાદની ઋતુમાં ડિઝાઈનર પોશાક પહેરવા ન મળે. આ મોસમમાં જૂના થઈ ગયેલા કપડાં પહેરીને પૂરાં કરવાના અથવા ભીંજાઈ જઈએ તોય ઝટ સુકાઈ જાય એવા વસ્ત્રો પહેરવાના. આજે પણ એમ વિચારવાવાળો મોટો વર્ગ છે કે ચોમાસામાં નવા કપડાં લેવાય જ નહીં.

જો કે હવે ચોમાસામાં પહેરી શકાય એવા વસ્ત્રો અને તેની સાથે ઉપયોગમાં લઈ શકાય એવી પુષ્કળ એક્સેસરીઝ મળે છે.અમદાવાદની એક જાણીતી ફેશનડિઝાઇનર કહે છે કે ચોમાસામાં ફુલસ્લીવ જર્સીથી લઇને શોર્ટ પેન્ટ અને હાફ શર્ટ પણ ઇન થઇ શકે છે.વરસાદ વરસતો હોય ત્યારે શોર્ટ્સ અને સ્કર્ટ્સ સુવિધાજનક અને સ્ટાઈલીશ વિકલ્પ ગણાય. શોર્ટ્સ અને સ્કર્ટ્સ ટેંક ટોપ કે ઢીલા ટી-શર્ટ સાથે વધુ આકર્ષક લાગે છે.

  જો કે જે યુવતીઓને રસ્તાઓ પર શોર્ટ વસ્ત્રો પહેરતાં સંકોચ થતો હોય તેઓ લેન્ગ્થ રેમ્પર્સ પહેરી શકે. આ ડ્રેસ પ્લેસૂટ જેવો હોય છે. વળી તે પ્રવાસ કરતી વખતે બહુ સગવડદાયક રહે છે અને આકર્ષક લૂક આપે છે. આ સીઝનમાં કોલેજ કન્યાઓ જો ઘુંટણથી થોડી ઓછી લંબાઈ ધરાવતી ટાઈટ ડેનિમ પહેરવાનું પણ પસંદ કરે છે. આવી ડેનિમ ટી-શર્ટ સાથે સરસ દેખાય છે. એ સિવાય ચોમાસામાં સિન્થેટિક મટિરિયલના તેમ જ ઘેરા રંગના વસ્ત્રો પહેરવાં જોઇએ. ફેશન નિષ્ણાતો કહે છે કે સિન્થેટિક ફેબ્રિક ભીંજાયા પછી ઝટ સુકાઈ જાય છે.આવા સંજોગોમાં સલવાર સુટ પણ પહેરી શકાય. ફેશન ડિઝાઇનરો ચોમાસામાં ઘેરા રંગના વસ્ત્રો પહેરવાની પણ ટીપ્સ આપે છે.