દિલ્હી-

યુઝર્સ ડેટાની પ્રાઈવસી બાબતે ભારે મુશ્કેલીમાં ફસાઈ જનાર ફેસબૂકના ઈન્સ્ટન્ટ મેસેજીંગ પ્લેટફોર્મે હવે નક્કી કર્યું છે કે, તે સિગ્નલ અને ટેલિગ્રામ જેવા  પોતાના વિરોધીઓને પણ જવાબ આપીને રહેશે. કંપનીએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, પોતે યુઝર્સ ડેટાના ઉપયોગ બાબતે જે પ્રકારે જાહેરાત કરી હતી તેનાથી ભારે આંધાધૂંધી સર્જાઈ હતી ખરી પરંતુ એનો અર્થ એવો નથી કે કંપની પોતાનો મૂળ મકસદ સમજાવી નહીં શકે. હવે કંપનીએ તે ચોખવટ કરવાનું નક્કી કર્યું છે. 


વ્હોટ્સેપ દ્વારા કહેવાયું હતું કે, પ્રાઈવસી ડેટા વિશે ભારે વાતો ફેલાવાઈ રહી છે, પણ વાત એ છે કે વ્હોટ્સેપનો ડેટા એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રીપ્ટેડ હોય છે અને તેને લીધે તેને કોઈ થર્ડ પાર્ટી કદી વાંચી કે ઉપયોગમાં લઈ શકતી નથી. પોતાની વિરોધી કંપનીઓ તેમ નથી કરતી એવો દાવો કરીને વ્હોટ્સેપે એક નિવેદનમાં કહ્યું હતું કે, ડેટા એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રીપ્ટેડ ન હોય તેનો મતલબ જ એ કે એ કંપનીઓ તમારો ડેટા વાંચી શકે છે. 


પોતાના વિકલ્પે યુઝર્સ દ્વારા બીજા એપ્સ ડાઉનલોડ કરાય તેની કશી સમસ્યા નથી એમ કહેતાં વ્હોટ્સેપે જણાવ્યું હતું કે, વ્હોટ્સેપ જે કોઈ માહિતી એકઠી કરે છે, તે તેને વધારે મુક્ત, સલામત અને વિશ્વસનીય બનાવવા માટે એકઠી કરે છે. વ્હોટ્સેપે કહ્યું હતું કે, અમારી પોલીસી અમે આગળ લઈ જવા માંગીએ જ છીએ પણ અમે સમય આવ્યે થોડી વધારાની માહિતી આપવાની સાથે તેમ કરીશું. આખરે અમે લોકોને સમજાવવા માંગીએ છીએ કે વ્હોટ્સેપ એક ઈન્સ્ટન્ટ મેસેજીંગ પ્લેટફોર્મ લોકોને મફતમાં સેવા આપી કેવી રીતે શકે. 

પોતાના નિવેદનમાં કંપનીએ વધુમાં કહ્યું છે કે, વ્હોટ્સેપ બિઝનેસમાં તેઓ ચેટ કરવા માટે કે શોપિંગ કરવા માટે નવી સુવિધાઓ ઊભી કરી રહ્યા છે ખરા, પણ તે માટે તેઓ લોકોની ખાનગી વાતો વાંચી કે સાંભળી શકશે નહીં.