અમદાવાદ-

હાલ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, ત્યારે અનેક હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની કમી છે તેવામાં સુરતના એક પ્રિન્સિપાલે મોબાઈલ નંબર સાથે કોવિડ હોસ્પિટલમાં મેલ કે ફિમેલ નર્સની જરૂર છે તેવો મેસેજ વહેતો કર્યો હતો. જે મામલે સાયબર ક્રાઈમે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. સુરતમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતા સત્યેન્દ્ર રાઠોડે તેમના સબંધી મેલ્વિનભાઈના મોબાઈલ નંબર સાથે મેસેજ વાયરલ કર્યો હતો કે, અમદાવાદની ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર covid માટે મેલ કે ફિમેલ નર્સની તાત્કાલિક જરૂરિયાત છે. જેના માટે 11 મહિનાના કોન્ટ્રાકટ પર રૂપિયા 30,000 ફિક્સ પગાર આપશે. આ ઉપરાંત મોબાઈલ નંબર સાથે લખ્યું હતું કે, ખ્રિસ્તી ભાઈ બહેનોએ પહેલા સંપર્ક કરવો. મેસેજ વોટસએપમાં ફરતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી. જે મામલે સાયબર ક્રાઇમ દ્વાર તપાસ શરૂ કરવામાં આવી અને આ મેસેજ જ્યાંથી જ્યાંથી આવ્યા તે તમામની તપાસ કરવામાં આવી ત્યારે આ મેસેજની કળી સુરત સુધી પહોંચી અને સુરતના પ્રિન્સિપાલ સત્યેન્દ્ર રાઠોડે આ મેસેજ વાયરલ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે સત્યેન્દ્ર રાઠોડની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી ખ્રિસ્તી કોમ્યુનિટીના હોવાથી અને કિડની હોસ્પિટલમાં થનારી ભરતીમાં ખ્રિસ્તી ભાઈ-બહેનોને વધારે પ્રમાણમાં લાભ મળે તે હેતુથી તેણે આ પ્રકારનો મેસેજ વાયરલ કર્યો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે પણ વધુ તપાસ શરૂ કરી છે.