07, એપ્રીલ 2025
વડોદરા, |
1188 |
મુસાફરો સામે બસોની સંખ્યા ઓછી હોવાથી લોકો જીવન જોખમે મુસાફરી કરવા મજબુર
સરકાર તરફથી ઈ બસોની ફાળવણી કરવામાં વિલંબ થવાના કારણે મુશ્કેલી
વડોદરા મહાનગરમાં સીટી બસો તો દોડે છે પરંતુ મુસાફરોની સંખ્યાની સામે તે ઓછી પડી રહી છે અને તેના કારણે કેટલીય વખતે મુસાફરો જીવન જોખમે બસમાં લટકતા લટકતા મુસાફરી કરવા માટે મજબુર બની રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ઈ બસોની ફાળવણી કરવામાં આવશે પરંતુ તેમાં વિલંબ થઇ રહયો હોવાના કારણે હાલ મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વડોદરા શહેરમાં વિનાયક ટ્રાન્સપોર્ટ દ્વારા સિટી બસની સુવિધા પૂરી પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી અપુરતી બસોના કારણે શહેરના લોકોને જોખમી મુસાફરી કરવાનો વખત આવ્યો છે. જેમાં ખાસ કરીને સાંજના સમયે નોકરી-ધંધાએથી ઘરે જનારા તેમજ શહેરમાં કામ માટે નિકળતા હોય ત્યારે બસોમાં ભારે ભીડ થતી હોવાથી લોકોને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. શહેરી મુસાફરોની સંખ્યા સામે બસોની સંખ્યા ઓછી છે. વિસ્તાર અને વધતી વસ્તી સામે 200 જેટલી બસોની જરૂરિયાત સામે તેમની પાસે હાલ ફકત 140 બસો જ ઉપલબ્ધ છે. પાલિકાએ હાલ તેમને કામચલાઉ ધોરણે ત્રણ માસ માટે શહેરી બસ સેવાનું સંચાલન કરવાની જવાબદારી સોંપી છે. ખરેખર પાંચ વર્ષનો કોન્ટ્રાકટ જરૂરી છે. એવામાં નવી બસો કેવી રીતે ખરદવી? સરકાર પણ વડોદરાને સિટી બસ સેવા ચલાવવા નવી 100 ઇલેક્ટ્રિક બસો આપવાની વાત કરી રહી છે.
2 વર્ષ પહેલા ઈ બસો ફાળવવાની જાહેરાત થઇ હતી
કેન્દ્ર સરકાર દ્વારા 2 વર્ષ પહેલા વડોદરા શહેરને 100 જેટલી ઈ બસ ફાળવવા માટેની જાહેર કરવામાં આવી હતી. અને આ બસો 6 મહિનામાં જ આવી જશે તેવી વાત હતી, જો કે હાલ સુધી એક પણ બસ આવી નથી. આ જાહેરાત તે \સમયના મેયર અને હાલના સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયા દ્વારા કરવામાં આવી હતી. દરમિયાન વર્ષ 2022માં વિનાયક ટ્રાન્સપોર્ટનો પાલિકા સાથેનો કરાર પુરો થતાં ત્રણ વર્ષથી પાલિકા વિનાયક ટ્રાન્સપોર્ટને જ એક્સટેન્શન આપી કામચલાઉ ધોરણે સિટી બસ સેવા ચલાવી રહી છે.