સુરત-

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં સુરતના મહામંત્રી લલિત વેકરીયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. વોર્ડ નંબર 7 માંથી પોતાની દાવેદારી નોંધાવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, એક પરિવાર માંથી એક જ વ્યક્તિને હોદ્દો મળશે. જેના કારણે લલિત વેકરિયાએ કોર્પોરેશન ચૂંટણી લડવા માટે મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. સુરત શહેર સંગઠન માળખાની હાલ જ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ જાહેરાત બાદ માળખાના મંત્રીએ રાજીનામું આપીને મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટેની દાવેદારી કરી છે. મહામંત્રી લલિત વેકરીયા ની આ જાહેરાતથી ભાજપના કાર્યકર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. કાર્યકરોએ કલ્પના ન કરી હતી કે, હાલ જ મહામંત્રી નિયુક્ત થયેલા લલિત વેકરીયા પોતાના પદ પરથી રાજીનામું આપશે. તેઓએ જણાવ્યું હતું કે મારા રાજીનામા પાછળથી કોઈ કારણ નથી. મારે ચૂંટણી લડવાની ઇચ્છા હતી અને સુરત પ્રમુખ નિરંજન ઝાંઝમેરાને આ અંગે વાત કરી હતી અને ટિકિટ માંગી હતી. અમારા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ દરેક સભામાં કહે છે કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના ઘરમાંથી એક સભ્યને જ હોદ્દો મળી શકે છે. જેથી ચૂંટણી લડવાની ઇચ્છા હોવાના કારણે હું મારા પદથી રાજીનામુ આપી દાવેદારી નોંધાવી છે. વોર્ડ નંબર 7 અથવા તો જ્યાંથી પાર્ટી કહેશે ત્યાંથી ચૂંટણી લડીશ. ઘણા સમયથી સંગઠનમાં કામ કરું છું. આ વખતે ચૂંટણી લડવાની ઈચ્છા થઈ છે, જેથી આ નિર્ણય લીધો છે.