વડોદરા, તા. ૨૦

દિવાળીની સવારે કોઠી કચેરીના પહેલા માળે લાગેલી આગમાં ચોક્કસ કંઈક રંધાઈ રહ્યુ હોવાની ગંધ આવી રહી છે. આગના છમકલામાં પહેલા જ દિવસે તાબડતોબ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે એ જ સ્પષ્ટ દર્શાવે છે કે, દાળમાં ચોક્કસ કંઈક કાળું છે. મહત્વની બાબત તો એ છે કે, જમીન સંપાદન વિભાગના નાયબ મામલતદાર કાંતિભાઈ શંકરભાઈ ભોઈ પણ પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ લખાવે છે કે, જમીન સંપાદન કચેરીના મહત્વના રેકોર્ડનો નાશ કરવા માટે કોઈ અજાણ્યાએ આગ લગાડી હતી.

હવે, સવાલ એ ઉપસ્થિત થાય છે કે, જમીન સંપાદન વિભાગના મહત્વના રેકોર્ડ સળગાવી દેવામાં કોને રસ હોઈ શકે ? આશંકા છે કે, ભૂતકાળના કોઈ મોટા કૌભાંડ પર પડદો પાડવા માટે આખો ખેલ રચાયો હોવો જાેઈએ. આ સમગ્ર મામલામાં આગનું કારણ જાણવા કરતા આગ લગાડનારાને પકડવા માટે પોલીસે વધારે કામ કરવુ જાેઈએ એવુ બધાનું સ્પષ્ટ માનવુ છે. પોલીસ જાે, હ્યુમન ઈન્ટેલિજન્સને પ્રાધાન્ય આપે તો આ મામલામાં કોઈ મોટામાથાની સંડોવણી બહાર આવે તેવી આશંકા નકારી શકાતી નથી.

ગત ૧૩મી ઓક્ટોબરે દિવાળીના સવારે રાવપુરા ખાતે આવેલી કોઠી કચેરીના પહેલા માળે ભેદી સંજાેગોમાં આગ લાગી હતી. આગ પહેલામાળે આવેલી ખાસ જમીન સંપાદન શાખા અને મધ્યાન ભોજન યોજનાની શાખામાં પ્રસરી હતી જેમાં રૂમ નંબર ૫૭,૬૦ અને ૬૧માં જમીન સંપાદનના અગત્યના રેકર્ડ અને મધ્યાન યોજનાની ૫૨ અને ૫૩ નંબરની ઓફિસમાં મુકેલા સરકારી દસ્તાવેજાે સાથે ફર્નિચર બળી જતા ભારે નુકશાન પહોંચ્યું હતું. આ બનાવની ખાસ જમીન સંપાદન અધિકારી એકમ-૧ની કચેરીના નાયબ મામલતદાર કાંતીભાઈ ભોઈએ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં અગત્યના દસ્તાવેજાે અને રેકર્ડ બળી ગયા હોઈ કોઈ અજાણ્યા ઈસમે રેકર્ડ નાશ કરવાના ઈરાદે આગ લગાવી હોવાનું જણાવતા ચકચાર મચી હતી.

એફએસએલે આગમાં બળી ગયેલા અને અર્ધબળેલા દસ્તાવેજાેના નમુના લીધા છે પરંતું તેનો રિપોર્ટ દિવાળીના રજાઓને કારણે હજુ સુધી આવ્યો નથી જેથી આગ લગાડવા માટે કોઈ કેમિકલ કે પેટ્રોલિયમ પ્રવાહીનો ઉપયોગ થયો છે કે કેમ તેનું રહસ્ય અકબંધ રહ્યું છે. જાેકે આ બનાવમાં જમીન સંપાદનના દસ્તાવેજાેને આગ લગાડવામાં આવી હોવાની ફરિયાદ હોઈ બનાવની ગંભીરતા જાેતા ઝોન-૪ના ડીસીપી અભય સોનીના સુપરવિઝન હેઠળ સમગ્ર તપાસનો ધમધમાટ આજથી શરૂ કરાયો છે. આ બનાવમાં એફએસએલનો રિપોર્ટ વહેલો આવે તે માટે જરૂરી કાર્યવાહી કરી તેમજ સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી તેના આધારે શંકાસ્પદોની શોધખોળ શરૂ કરી છે.

દસ્તાવેજાે અંગે કલેકટર કચેરીમાંથી કોઈ માહિતી નથી અપાઈ

આગના બનાવમાં કયા મહત્વના દસ્તાવેજાે બળી ગયા છે અને તે બળી જાય તો તેનો લાભ કોને થાય તેની કોઈ વિગતો અમને હજુ સુધી કલેકટર કચેરીમાંથી અપાઈ નથી. આ ઉપરાંત દસ્તાવેજાેમાં આગ લગાડી હોવાનું જણાવ્યું હોઈ આગ લગાડવા માટે કોઈ પેટ્રોલિયમ પ્રવાહી કે કેમિકલનો ઉપયોગ કરાયો છે કે કેમ? તેની એફએસએલના રિપોર્ટમાં જાણ થશે. જાે પેટ્રોલિયમ પ્રવાહી કે કેમિકલનો ઉપયોગ ન થયો હોય તો પછી શોર્ટસર્કિટના કારણે કેવી રીતે આગ લાગી તેની પણ ચકાસણી કરવામાં આવશે

અભય સોની, ડીસીપી ઝોન-૨

આગમાં નાશ પામેલા રેકોર્ડનો ડેટા પ્રાંત અધિકારીઓ એકત્ર કરે છે

વડોદરા જિલ્લા કલેકટર પ્રવીણ ગોરે જણાવ્યું હતું કે, દિવાળીના દિવસોમાં કલેકટરાલય ખાતે આવેલ કચેરીના રેકોર્ડ રૂમમાં લાગેલ આગને લઈને જે જે રેકોર્ડ આગમાં નાશ પામ્યું છે. એની યાદી બનાવવાને માટે પ્રાંત અધિકારીઓની ટીમ કામ કરી રહી છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થઇ જશે. પરંતુ આ આગમાં કોઈ મહત્વના દસ્તાવેજાે નાશ પામ્યા હોવાની વાતનો તેઓએ ધરાર ઇન્કાર કર્યો હતો. સાથોસાથ ઉમેર્યું હતું કે જાે કોઈ દસ્તાવેજ આમાં ગયા હશે તો એ અન્ય ડીએલઆર સહિતની કચેરીઓમાંથી પુનઃ રીકવર થઇ શકશે. હાલમાં લિસ્ટિંગની કામગીરી પ્રાંત અધિકારીઓ કરી રહ્યાં છે. જે પૂર્ણ થયા પછીથી આગમાં શું શું નાશ પામ્યું એનો અંદાજ આવશે.

૯૬ કલાકના સીસીટીવીના ફુટેજની ચકાસણી શરૂ

અમારી ટીમ તપાસ માટે રોજ કોઠી કચેરી ખાતે જતી હતી, પરંતું રજાઓના કારણે ઉક્ત કચેરીના સીસીટીવી કેમેરાના ફુટેજ મળી શક્યા નહોંતા. આજે બપોરે અમે જમીન સંપાદનની કચેરી તેમજ તેની આસપાસની કચેરીના, મેઈન એન્ટ્રન્સ ગેટ સહિત સમગ્ર કોઠી કચેરી વિસ્તારના કુલ ૯૬ કલાકના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવ્યા છે અને તેની સતત ચકાસણી માટે ખાસ ટીમ બનાવી છે. સીસીટીવી ફુટેજના ચકાસણીમાં જાે કોઈ શંકાસ્પદ વ્યકિતની હિલચાલ નજરે પડશે તો તેની તપાસ કરાશે.

પી.જી.તિવારી, પીઆઈ, રાવપુરા પોલીસ સ્ટેશન