ખામેનેઈ બાદ ઈરાનમાં કોણ બનશે સુપ્રીમ લીડર? મોજતબા આગળ કે સત્તામાં મોટો ભૂકંપ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, માર્ચ 2026 | 4059
દર્શકમિત્રો ઇતિહાસમાં કેટલાક ક્ષણો એવા હોય છે જે માત્ર સમાચાર નથી રહેતા, પરંતુ સમગ્ર યુગને વિભાજિત કરતી રેખા બની જાય છે. જેમકે, હાલમાં દુનિયાના સૌથી સંવેદનશીલ અને રાજકીય રીતે વિસ્ફોટક પ્રદેશોમાંથી એક એવા મધ્યપૂર્વમાં એક એવી ઘટના બની છે જેને વૈશ્વિક રાજકારણના પાટા હચમચાવી નાખ્યા છે. ઈરાનના સુપ્રીમ લીડર, આયતુલ્લાહ અલી ખામેનેઈના અવસાનના સમાચાર સામે આવ્યા છે, અને ઈરાનમાં ૪૦ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે.
આ સમાચાર માત્ર એક દેશના નેતાના અવસાન સુધી સીમિત નથી; આ ઘટના એક સમગ્ર પ્રણાલીના, એક વિચારધારાના અને એક યુગના સંક્રમણનો સંકેત બની શકે છે. આજે આપણે માત્ર સમાચાર નહીં, પરંતુ ઇતિહાસ, સત્તા, ક્રાંતિ, રાજકીય તંત્ર, પરિવાર, વારસો અને ભવિષ્યના સંકેતોની વિષે પણ ડિટેલ જાણકારી મેડવીશું. તો મી. રિ. મુ, આયતુલ્લાહ અલી ખામેનેઈ – ૧૯૮૯થી ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે કાર્યરત, અને ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિ બાદ દેશના બીજા સુપ્રીમ લીડર. તેઓ માત્ર એક રાજકીય પદ પર રહેલા વ્યક્તિ નહોતા; તેઓ ઈરાનની રાજકીય અને ધાર્મિક વ્યવસ્થાના કેન્દ્રબિંદુ હતા. ઈરાનનું બંધારણીય માળખું એવું છે કે જ્યાં સુપ્રીમ લીડર પાસે સૈન્ય, ન્યાયતંત્ર, રાષ્ટ્રીય પ્રસારમાધ્યમો, અને મુખ્ય ધાર્મિક સંસ્થાઓ પર સીધો અથવા પરોક્ષ નિયંત્રણ હોય છે.
પ્રેસિડેન્ટ ચૂંટાઈ આવે છે, સંસદ કાર્યરત છે, પરંતુ અંતિમ અને સર્વોચ્ચ સત્તા સુપ્રીમ લીડર પાસે જ રહે છે. અને હવે ઈરાનના સરકારી ટેલિવિઝને રડતાં પ્રસ્તુતકર્તાના સ્વરે તેમના નિધનની ઘોષણા કરી અને ૪૦ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી. ૪૦ દિવસનો શોક, શિયા પરંપરામાં વિશેષ મહત્વ ધરાવે છે. કરબલાની પરંપરા અને શહીદોની યાદમાં ૪૦મો દિવસ ખાસ માનવામાં આવે છે. ઈરાનની સામાજિક અને ધાર્મિક રચનામાં આ પ્રતીકાત્મક સમયગાળો ભાવનાત્મક અને રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ પ્લેટફોર્મ પર ખામેનેઈના અવસાન અંગે દાવો કરતા લખ્યું કે, ઇતિહાસના સૌથી ખરાબ લોકોમાંના એક હવે રહ્યા નથી. આ નિવેદન આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં તીવ્ર પ્રતિક્રિયાઓ પેદા કરી શકે છે. સાથે જ ટ્રમ્પએ વધુ માં લખ્યું છે કે, ખામેનેઈ, જે ઇતિહાસના સૌથી ખરાબ લોકો પૈકી એક હતા, હવે માર્યા ગયા છે. આ માત્ર ઈરાનના લોકો માટે જ ન્યાય નથી, પરંતુ તે મહાન અમેરિકાના અને દુનિયાના લોકો માટે પણ ન્યાય છે.