વડોદરા, તા.૫

વડોદરા શહેરની મધ્યમાં આવેલ જ્યુબિલીબાગમાં કોઈપણ પરવાનગી વગર ખાડો ખોદીને દુકાન વધારવાના પ્રયાસમાં સ્થાયી સમિતિના એક સભ્યે ગેરકાયદે થઈ રહેલા કામ માટે રૂા.૨૫ લાખ લઈને બારોબાર ખેલ કરાયાની વાતને લઈને ખળભળાટ મચી ગયો હતો. જાે કે, આ સમગ્ર કૌભાંડથી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિતના નેતાઓ વાકેફ હોવા છતાં પડદો કેમ પડયો? તે અંગે પાલિકાવર્તુળોમાં અનેક તર્કવિતર્ક સર્જાયાં છે.

મળતી માહિતી અનુસાર કેટલાક દિવસો પૂર્વે કોર્પોરેશને જે ભાડાપટ્ટે દુકાનો આપેલી છે તે પૈકીના દુકાનદારે જ્યુબિલીબાગના પાછળના ભાગે કોઈપણ પરવાનગી વગર બારોબાર મસમોટો ખાડો ખોદીને ગેરકાયદે વધારવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, બગીચામાં મંજૂરી વગર ગેરકાયદે ખોદાયેલ ખાડા સંદર્ભે સ્થાયી સમિતિના એક સભ્યે રૂા.રપ લાખ લઈને બારોબાર ખેલ કર્યો હોવાની વાતને લઈને ખળભળાટ મચ્યો હતો.

જ્યારે ગેરકાયદે થઈ રહેલી આ કામગીરીને કાયદેસર કરવા માટે વોર્ડના અધિકારીને ધમકાવીને રૂા.૭ લાખ પણ ભરાવી દીધા હોવાનું કહેવાય છે. જાે કે, આ સંદર્ભે સ્થાનિક કાઉન્સિલર અને શિક્ષણ સમિતિના એક સભ્યે સ્થાયી સમિતિના સભ્ય આવું કરી રહ્યા છે તેવી ફરિયાદ પણ કરી હોવાનું તેમજ મેયરે આ અંગેની જાણ થતાં જાહેરમાં આ સભ્યને ખખડાવ્યા હોવાનું પણ કહેવાય છે. પરંતુ સમગ્ર કૌભાંડની મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિતના નેતાઓ વાકેફ હોવા છતાં પડદો કેમ પડયો? તે અંગેની ચર્ચા ભાજપા મોરચે અને પાલિકાની લોબીમાં થઈ રહી છે.

ખોદકામ કરનાર દુકાનદારને રૂા.પ૦,૦૦૦નો દંડ ફટકરાયો

જ્યુબિલીબાગના પાછળના ભાગે ગાર્ડનની જગ્યામાં નવીન સ્ટ્રકચર બાંધવા ખોદકામ કરતાં તેની તપાસ બાદ કામગીરી અટકાવવામાં આવી હતી. જ્યારે પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગે દુકાનદારને મૂળ અવસ્થામાં ફરી રિસ્ટોરેશન કરી આપવાની નોટિસ સાથે રૂા.પ૦,૦૦૦નો દંડ પણ ફટકાર્યો હતો. જ્યારે આ પ્રકારના કૃત્યથી લેન્ડસ્લાઈડ કે અન્ય જાેખમ થશે તેની સંપૂર્ણ જવાબદારી રહેશે તેમ પણ નોટિસમાં જણાવ્યું હોવાનું જાણવા મળે છે.

જ્યુબિલીબાગમાં ગેરકાયદે ખાડો ખોદનાર સામે ફોજદારી પગલાં લો ઃ ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ

પૂર્વ વિપક્ષના નેતા અને સિનિયર કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જ્યુબિલીબાગમાં બારોબાર ખાડો ખોદીને દુકાન વધારવાનો પ્રયાસ ગંભીર બાબત છે. આ સંદર્ભે મ્યુનિ. કમિશનરને પત્ર લખી આવા કિસ્સામાં દુકાનદાર અને અધિકારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે તો આવા કૃત્યો ભવિષ્યમાં કરવાની હિંમત વધી જશે, જે કોર્પોરેશનના હિતમાં નથી. ત્યારે ફોજદારી રાહે પગલાં ભરવા, સાથે કોર્પોરેશનમાં ભરેલા ૭ લાખ રૂપિયા જપ્ત કરવા જાેઈએ. પાલિકામાં ભરેલા ૭ લાખ રૂપિયા કોર્પોરેશનમાંથી પરત અપાવવા રાજકીય દબાણ આવશે તેને વશ થયા વિના તે જપ્ત કરવા જાેઈએ. રૂા.ર લાખના દંડની વસૂલાત પણ તાત્કાલિક કરવી જાેઈએ. એટલું જ નહીં, જે અધિકારીએ આ મંજૂરી આપવાની ફાઈલ ચલાવીને મંજૂરી આપી છે ભલે એ વોર્ડ ઓફિસર હોય કે આસિ. મ્યુનિ. કમિશનર હોય તેમની સામે શિસ્તવિષયક ખાતાકીય કાર્યવાહી કરવાની માગણી કરી છે.