દિલ્હી-

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ આ કેસની CBI તપાસની માંગ પરિવારજનો, બૉલીવુડની કેટલીક હસ્તીઓ ,ફૅન્સ સહુ કોઈ કરી રહ્યું છે. હવે ભાજપના રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેબિનેટ પ્રધાન સુબ્રમણ્યમ સ્વામી પણ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં CBI તપાસની તરફેણમાં આવ્યા છે. આ વખતે તેમણે બૉલીવુડની ખાન ત્રિપુટી શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનનાં મૌનને લઈને સવાલો કર્યા છે. સાથે જ ત્રણેય ખાનની સંપત્તિની તપાસ કરવાની માગ પણ કરી છે.

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને ખાન ત્રિપુટીની ચુપ્પી પર સવાલ કર્યા છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, આ સમયે બૉલીવુડના બાહુબલી સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સુશાંતની આત્મહત્યા પર કેમ શાંત છે? આ મામલે તે કેમ કઇ બોલતા નથી?

નોંધનીય છે કે, સોશ્યલ મીડિયા પર ઘણા બધા લોકો સ્વામીનું સમર્થન કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી બૉલીવુડમાં સગાવાદના મુદ્દાએ ફરી જોર પકડયું છે. ત્યારે સુબ્રમણ્યમ સ્વામીનાં આ નિવેદન બાદ ફરીથી સોશ્યલ મીડિયામાં સુશાંત સિંહનો મુદ્દો ઉઠી રહ્યો છે.

બીજી બાજુ, ગુરુવારે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેમણે વકીલ, ઈકોનોમિસ્ટ અને પોલિટિકલ એનાલિસ્ટ ઇશકરણ સિંહ ભંડારીને સુશાંત આત્મહત્યા કેસમાં ફેક્ટ્સની તપાસ કરવા કહ્યું છે. જેથી તેઓ જાણી શકે કે આ કેસમાં CBI તપાસની જરૂર છે કે નહીં.