મુંબઈ-

નાણામંત્રી સિતારમણે કેન્દ્રિય બજેટ રજૂ કરતી વખતે વીમાક્ષેત્ર માટે અનેક રજૂઆતો એવી કરી છે જેને પગલે વીમાક્ષેત્રે કાર્યરત કંપનીઓ ઉપરાંત નાણાંકીય સેવાઓ આપતી કંપનીઓને ફાયદો થઈ ગયો છે. વીમાક્ષેત્રે અત્યાર સુધી વિનિવેશની મર્યાદા જે માત્ર 49 ટકા સુધીની હતી તેને વધારીને 75 ટકા સુધી કરી દેવાઈ છે. 

વિદેશી રોકાણની મર્યાદા વધારી દેવાયાને પગલે હવે આ ક્ષેત્રે રોકાણની શક્યતાઓ વધી જતાં બજારમાં નાણાકીય અને વીમાક્ષેત્રની કંપનીઓ માટે સાનુકૂળ વાતાવરણ બની ગયું છે અને શેરબજારે તેને આવકાર આપ્યો છે. સોમવારે સંસદમાં આવી જાહેરાતને પગલે ઈન્શ્યોરન્સક્ષેત્રે કાર્યરત કંપનીના શેરોમાં સુધારો જોવા મળ્યો હતો. નાણાંકીય સેવા આપતી કંપનીઓનો નિફટી ઈન્ડેક્સ 3.35 ટકા સુધી સુધરી ગયો હતો. મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસિસના શેરોમાં સાડાચાર ટકાનો ઉછાળ આવતાં તે 713.55 રૂપિયા થયો હતો. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શીયલના શેરોમાં પણ 2.75 ટકાનો સુધારો જોવાતાં તેના ભાવો 494.35 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. 

એચડીએફસીના ભાવોમાં પણ 2.16 ટકાનો સુધારો થયો હતો અને તેના શેરોનો ભાવ 629.45 રૂપિયા થઈ ગયો હતો. એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સના ભાવોમાં પણ 1.9 ટકાનો સુધારો થતાં તેના ભાવો 880.90 રૂપિયા પર પહોંચી ગયા હતા.