ખડસુપા પાસે પતિ સાથે ગેસ સિલિન્ડર લેવા જતી પત્નીનું ઘટનાસ્થળે મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2026  |   2574

નેશનલ હાઈવે નંબર ૪૮ પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજે નવસારીના ખડસુપા ગામ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા એક ટેમ્પો ચાલકે મોટરસાઈકલ પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ૪૭ વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ટેમ્પો ચાલક પોતાનું વાહન છોડીને નાસી છૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધી ડ્રાઈવરને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, નવસારીના સરપોર ગામના વતની ગીતાબેન ખાલપ હળપતિ (ઉં.વ. ૪૭) અને તેમના પતિ આજે સવારે પોતાના ગામથી બાઈક પર ગેસનો સિલિન્ડર ભરાવવા માટે નવસારી શહેર તરફ આવી રહ્યા હતા. દરમિયાન ખડસુપા ગામ પાસે નેશનલ હાઈવે ૪૮ પર એક ટેમ્પો ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે ગીતાબેન રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, અકસ્માત સર્જી ટેમ્પો ચાલક પકડાઈ જવાની બીકે પોતાનો ટેમ્પો ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. રિવારમાં શોકની લાગણી સરપોર ગામના દંપતી સાથે બનેલી આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. નવસારી ગ્રામ્ય પોલીસે આ મામલે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ફરાર ડ્રાઈવરને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution