શું શંકરસિંહ વાઘેલા ફરી જોડાશે કોંગ્રેસમાં? બંધ બારણે થયેલી બેઠકને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો
17, જુન 2021

અમદાવાદ-઼

રાજકીય સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બાપુની ઘરવાપસી થઈ રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદ અને વિપક્ષના નેતા પદ તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારીનું પદ ખાલી છે. હાલ હાઈકમાન્ડે કોઈ જ નિર્ણય લીધો નથી. તાજેતરમાં ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ દિલ્હી ગયા હતા, અને કોંગ્રેસ હાઈકમાન્ડને મળીને પક્ષપ્રમુખ અને વિપક્ષના નેતા પદ માટે ચર્ચા કરી હતી, પણ તેમાં હાઈકમાન્ડે મુદત પાડી હતી. હાલ કોંગ્રેસનો કપરાકાળ ચાલી રહ્યો છે. કોંગ્રેસને બેઠી કરવા માટે મજબૂત નેતાગીરીની જરૂર છે, જે કાર્યકર્તાઓને એકજુટ કરીને પ્રચાર કરી શકે છે, અને રાજ્ય સરકારની નબળાઈ અને ખોટા નિર્ણયોને પ્રજા સમક્ષ લઈ જઈ શકે અને સરકાર સામે વિરોધ કરી શકે. આવી તમામ બાબતોને ધ્યાનમાં લેતા વરિષ્ઠ રાજકારણી એવા શંકરસિંહ વાઘેલા બાપુની ઘરવાપસી થઈ શકે છે અને 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવાની જવાબદારી પણ સોંપવામાં આવે તેવી સંભાવના છે. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી આવી છે, અને તેમાં દરરોજ નવા નવા કાર્યકરો ભાજપથી નારાજ થઈને આપમાં જોડાઈ રહ્યા છે. આ સંજોગોમાં કોંગ્રેસ નબળી પડશે તો આપ વધુ મજબૂત થશે. જેથી કોંગ્રેસને મજબૂત કરવા માટે સબળ નેતૃત્વની જરૂર છે અને કોઈ મોટું માથુ જ આ કરી શકે તેમ છે. આથી કોંગ્રેસ પણ શંકરસિંહ વાઘેલાને પરત લાવે તેવી શકયતા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution