કોટંબી સ્થિત નવું ક્રિકેટ સ્ટેડિયમ જગાજી અને પટેલ કન્સ્ટ્રકશન દ્વારા બનાવાશે?

વડોદરા : બીસીએ દ્વારા કોટંબી ખાતે બનનાર નવા સ્ટેડિયમના બાંધકામની કામગીરીનો ગ્લોબલ કોન્ટ્રાક્ટ આપવાની વાતો વચ્ચે લોકલ કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી થયાનું જાણવા મળે છે. આવતીકાલે એપેક્ષ કાઉન્સિલની મિટિંગ મળનાર છે ત્યારે સ્ટેડિયમના બાંધકામનો રૂા.૮૦ કરોડનો કોન્ટ્રાક્ટ જગાજી કન્સ્ટ્રકશન અને પટેલ કન્સ્ટ્રકશનને આપવામાં આવશે તેમ જાણવા મળે છે. સ્ટેડિયમની કામગીરીમાં સ્પેસિફિકેશનની પણ કોઈ સ્પષ્ટતા નથી તેમ જાણવા મળે છે.

દેશના સૌથી જૂના ક્રિકેટ એસોસિયેશનમાં એક એવા બરોડા ક્રિકેટ એસોસિયેશનનું અત્યાર સુધી વિવાદ વચ્ચે પોતાનું સ્ટેડિયમ થઈ શકયું નથી. બીસીએમાં નવા ચૂંટાયેલા સભ્યોએ સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ બીસીએનું પોતાનું સ્ટેડિયમની કામગીરીને પ્રાથમિકતા આપી તે દિશામાં કામગીરી શરૂ કરી પ્રથમ પ્રેક્ટિસ વિકેટ સહિત ૮ જેટલી વિકેટો સાથે કોટંબી ખાતે રમવા યોગ્ય ગ્રાઉન્ડ તૈયાર કરીને તેને ફેન્સિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે પછી સ્ટેડિયમની ડિઝાઈન માટે આર્કિટેક્ટની નિમણૂક કરવામાં આવી હતી. નવા બનાવાયેલા ગ્રાઉન્ડ પર બે ટુર્નામેન્ટ પણ રમાડવામાં આવી હતી. બીસીએ દ્વારા આગામી દોઢ બે વર્ષમાં સ્ટેડિયમના બાંધકામની કામગીરી પૂરી કરવાના આયોજન સાથે ગ્લોબલ ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના અન્ય શહેરો અને રાજ્ય બહારથી ગ્લોબલી જે આવ્યા હતા તેમના ગુણદોષની ચર્ચા વગર બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.જ્યારે સ્ટેડિયમના બાંધકામ માટે રૂા.૮૦ કરોડની કામગીરી બે સ્થાનિક કોન્ટ્રાકટર જગાજી કન્સ્ટ્રકશન અને પટેલ કન્સ્ટ્રકશનને રૂા.૪૦-૪૦ કરોડનું કામ આપવાનો તખ્તો તૈયાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે. આવતકાલે એપેક્ષ કાઉન્સિલની મિટિંગ મળનાર છે ત્યારે સ્ટેડિયમના બાંધકામ માટે કોન્ટ્રાકટરો નક્કી કરાશે. આમ ગ્લોબલી એલ એન્ડ ટી કે રાજકોટમાં સ્ટેડિયમ બાંધનાર કન્સ્ટ્રકશન કંપની વગેરેને કામ આપવાની માત્ર વાતો બાદ આખરે લોકલ કોન્ટ્રાકટરોને બે ભાગમાં કામગીરી માટેનું ટેન્ડર આપવાનું બીસીએ સત્તાધીશો દ્વારા નક્કરી કર્યું હોવાનું જાણવા મળે છે. જાે કે, સ્ટેડિયમના બાંધકામની કામગીરી માટે હજુ સુધી સ્પેસિફિકેશન સંદર્ભે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બીસીએ દ્વારા પટેલ કન્સ્ટ્રકશનને રૂા.૩પ કરોડ એડવાન્સ ચૂકવી દેતાં વિવાદ સર્જાયો હતો.

તમામમાં કુંડળીમાં ગોળ ભગાઈ રહ્યો છે!

વડોદરા. બીસીએ ખાનગી પેઢી હોય તેમ તમામ મહત્ત્વના મુદ્‌ાઓની એપેક્ષ કાઉન્સિલમાં ચર્ચા વિચારણા કરવાને બદલે તમામમાં કુંડળીમાં ગોળ ભાગવામાં આવી રહ્યો છે તેમજ બીસીએમાં મહત્ત્વના નિર્ણય કોના ઘરે થઈ રહ્યા છે તે અંગે ચર્ચાઓ પણ બીસીએ વર્તુળોમાં શરૂ થઈ છે. સ્ટેડિયમના બાંધકામની કામગીરી માટે બેન્ક ગેરંટી અને ટ્રાન્સફરન્સીને લઈને પણ વિવાદ હોવાનું જાણવા મળે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution