એકમૅકના સાથથી ધરાશાયી થશે હર મુસીબત મ્હોરી ઊઠી લાગણીઓ પણ બની ઇબાદત!

લેખકઃ ભૂમિ જાેષી | 


સતત ધોધમાર વરસાદના કારણે આખું ગામ પાણી પાણી હતું. હરિયાળીની ચાદર ઓઢેલ આ નાનકડું ગામ છેલ્લા બે દિવસથી પાણીમાં ગરકાવ હતું.

જિલ્લાના છેવાડાનું ગામ હોવાથી સરકાર તરફથી મદદ મળવામાં ખાસ્સો સમય લાગી જતો.વળી ક્યારેક મદદ મળી હોય તો પણ લે ભાગુઓ તકનો લાભ લઈ પોતાના ઘર ભરતા.ગામના અમુક ઊંચાણવાળા ઘરને બાદ કરતાં બધાને વરસાદનો એવો માર પડ્યો હતો કે તેમની કમર સીધી થઈ શકે તેમ ન હતી. આ બધામાં સૌથી કપરી સ્થિતિ મંજુની હતી.

મંજુની હાલત એવી હતી જાણે પડ્યા પર પાટું. અકાળે વિધાતાએ પતિની છાયા છીનવી લીધી. એકના એક છોકરાને મોટો કરવામાં અને પતિને પ્રાણ પ્યારી જમીનના ટુકડાને સાચવવામાં મંજુએ આખી જીંદગી ખેતરોમાં મજૂરની જેમ ખર્ચી નાખી હતી. છતાં દર વર્ષે ખેતરમાં ઉપજ તો થતી પણ ખર્ચ પણ એટલો જ થતો. મંજુ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હાલત હતી.

“ મગન બેટા, કુદરત પણ ધીરજની કસોટી કરવા બેઠી હોય તેમ ગયા વર્ષે વરસાદ ન થવાથી કુવા ખાલી હતા એટલે ખેતરનો ફાલ નકામો ગયો. આ વર્ષે એટલો ખાબક્યો કે આખે આખા ખેતર પાણી પાણી થઈ ગયા. લાગે છે નસીબ આગળનું પાંદડું હટવાનું નામ જ નથી લેતું.”મંજુએ પોતાના દીકરા મગન પાસે મનની વરાળ ઠાલવતા ઊંડો નિઃસાસો નાંખ્યો.

મંજુ પાસે મિલકત નામે નાનું ખોરડું અને એક ખેતર હતું. મગનને ભણાવવાનો ખર્ચ મંજુ ખેતરની ઉપજમાંથી જ કાઢતી. કાળી મોંઘવારી અને ખાતર અને બિયારણના આસમાને ચડતા ભાવ તેને કદી બે પાંદડે થવા ન દેતા.

આટલી મુશ્કેલીઓ હોવા છતાં મંજુ, પોતાના દીકરા મગનને જાેઈ ખુશીથી દિવસો જીવ્યે જતી. દસ વર્ષનો મગન પોતાની માંની હાલત જાેઈ દુઃખી થઈ જતો. તે પણ જાણે જલદી મોટો થઈ માં ની મુસીબતોનો અંત લાવવા ઈચ્છતો હતો. પણ કુદરત જાણે હજુ મંજુની હિંમતની કસોટી કરવા માટેની તૈયારીઓ કરી રહી હતી.

કદી હિંમત ન હારનાર મંજુ આ મેઘરાજાના તાંડવ સામે હારી ગઈ હતી. પાણીથી તરબોળ ખેતરોને જાેઈ મંજુની આંખો પણ તરબોળ થઈ ગઈ.

આંખો સામે આજે પણ પોતાના હ્વદયમાં ધબકતા વાલજીનો ચહેરો તરવરી ઉઠ્‌યો. એ ચહેરા સાથે આવેલી યાદોની હેલી વર્ષોને ક્યાંય પાછળ ધકેલી ગઈ. પતિના શબ્દો જાણે હમણાં જ સાંભળ્યા હોય તેમ કાનમાં ગુંજી ઉઠ્‌યા.

  “મંજુ તું જ્યારથી આ ખોરડે આવી છો ત્યારથી આ ખોરડું તો શું મારું ખેતર પણ ચમકી ઉઠ્‌યું છે. જાે ને તારા પૂનમના ચાંદ જેવા ચહેરાની જેમ આ ખેતર પણ પાકની હરિયાળીમાં ખીલી ઉઠ્‌યું. સાચે મંજુ આ ખેતર મને મારા જીવથી વધુ વ્હાલું છે. અને તારા પગલાં બાદ તો પાક પણ કેવો લહેરાય છે! મંજુ આજથી આ ખેતર અને આ ખોરડું બંને તારું.” વાલજીની વાતો સાંભળી મંજુ શરમાઈ જતી.

નાનકડા ખોરડાં અને જમીનના એક ટુકડામાં પણ બંને જણ અમીનો ઓડકાર ખાતા. પોતાના ખેતરને લીલુંછમ રાખવા વાલજી કાળી મજૂરી કરતો. વાલજીની હાલત જાેઈ મંજુનું મન ભરાઈ આવતું. એટલે જ તે વાલજીની સાથે સવારથી જ ખેતર જઈ મોટાભાગનું કામ સંભાળી લેતી જેથી પતિને થોડી રાહત રહે.

બંને એકબીજાની હૂંફ અને સ્નેહથી જીંદગીના ગમે તેવા કપરા દિવસો પણ જીવ્યે જતા,પણ વિધાતાને એ પણ મંજૂર ન હતું હજુ મંજુએ જીંદગીની સૌથી મોટી કસોટી આપવાની બાકી હતી.

ઘણા દિવસોથી વાલજી જલદી થાકી જતો. શરીર જાણે હવે પહેલા જેવું સાથ નહોતું આપતું. વાલજીનો આત્મા જાણે એ જાણી ગયો હોય તેમ એક દિવસ તે બોલ્યો,” મંજુ, આ દેહનો કોઈ ભરોસો નહી. સાચું કહું તો તારી સાથે જીંદગી જીવ્યા બાદ કોઈ અફસોસ પણ નથી. બસ એક ભલામણ કરવી છે કદી મારી ગેરહાજરી થાય તો આ ખેતરને જીવની જેમ સાચવજે. નેહ નીતરતી આંખે પતિના શબ્દો સાંભળી મંજુંનું હ્રદય પણ પીડાથી વલોવાઈ ગયું. તે કશું બોલ્યા વગર જાણે ઘણું બધું બોલી ગઈ.

હજુ વાલજીની બીમારીનો કોઈ ઈલાજ થાય એ પહેલા એક દિવસ હ્વદયે તેને દગો આપી દિધો. ગરીબીની થપાટ ઓછી હોય તેમ નસીબે મંજુને જીંદગીની કારમી પીડા આપી. વાલજીએ સદાયને માટે મંજુનો સાથ છોડી દીધો.

આજે ખેતરની હાલત જાેઈ ફરી એકવાર મંજુ ભૂતકાળને વાગોળી વર્તમાન પરિસ્થતિને નાથવા વિચારી રહી. ત્રણ દિવસ બાદ જ્યારે ખેતરના પાણી સુકાયા ત્યારે મોટા ભાગનો પાક પાણી સાથે વહી ગયો હતો. બાકી રહેલો વધુ પડતા પાણીથી બળી ગયો હતો.

ખેતરની હાલત જાેઈ થોડા દિવસ પહેલાની મગન સાથે કરેલ વાત યાદ આવી ગઈ.

“આ વર્ષે તો ખેતરનો લહેરાતો પાક જાેઈ થતું હતું ઈશ્વરે મેર કરી છે. તારા આગળ ભણવાની બધી તૈયારીઓ કરી લઈશ અને લગ્ન માટે ઘરેણાં પણ બનાવી લઈશું. તેના બદલે ઘરમાં ખાવાના પણ ખૂટી પડ્યા. નવો પાક વાવવા માટે બિયારણના પૈસા પણ નથી કેમ કરી ખેતી થાશે?” ભીના અવાજે મંજુ બોલી.

ખેતરની હાલત જાેઈ મંજુ રડી પડતી. ગામના મુખીને કાને આ વાત ગઈ. એમ તો વરસાદના કારણે ઘણા લોકોનો પાકને નુકશાન થયું હતું પણ મંજુની સ્થિતિ વધુ કફોડી હતી.

ગામના મુખી કાનજીભાઈએ રાતે ગામના ઓટલે સભા ભરી. મંજુ પણ તેમાં હાજર હતી. બધાને કેટલું નુકશાન થયું તેની ચર્ચા થઈ.

ખુબ નાના ગામમાં વધુ સુખ સગવડો ન હતી પણ સંપ ખૂબ જ હતો. વળી કાનજીભાઈ તો પરોપકારી જીવ. તેના રાજમાં કોઈ ભુખ્યું ન સુવે કાનજીએ સભામાં કહ્યું,”મંજુબેન તેમજ તેના જેવા અન્ય જે લોકોના ખેતરમાં પાણી છે અને નવા બિયારણના પૈસા નથી તે તમામને હું મફત બિયારણ અને ખાતર પૂરું પાડીશ માનવતાના આ ભગીરથ કાર્યમાં અન્ય કોઈ સ્વેચ્છાએ જાેડાવા માંગતા હોય તે આગળ આવે.”

ત્યાં તો ઘણા લોકો આગળ આવ્યા. કાનજી જેવા અન્ય શાહુકારોએ પણ માનવતાની આ યાત્રામાં પોતાનું યથાશક્તિ યોગદાન આપ્યું.

મંજુનો મૃદુ સ્વભાવ અને તેની કામ કરવાની ધગશ તો આખા ગામમાં જાણીતી હતી. કાનજીએ પરોપકારનો યજ્ઞ ચાલુ કર્યો. જે જે ખેતરો અનાજ વાવવાની સ્થિતિમાં ન હતા તેને નવેસરથી ખેડી ચકાચક કર્યું. ખેતી માટેના ખૂટતા ઓજારો પણ વસાવ્યા.

ઉત્તમ કોટીનું બિયારણ મંજુ અને અન્યના ખેતરમાં વવાયું. સારી જાતનું ખાતર, પૂરતું પાણી અને મંજુની મહેનતે રંગ પકડ્યો. છ મહિનામાં નવા પાકથી ખેતરો લહેરાવવા લાગ્યા.

કાનજીએ માનવતા દાખવી પરોપકારનો જે યજ્ઞ ચાલુ કર્યો હતો તે સફળ થયો. કેમ કે કાનજીએ આપેલ બિયારણ સામાન્ય ન હતું. તે માનવતાનું બીજ હતું. જે જાેઈ કુદરત પણ સોળે કળાએ ખીલી ઉઠી.

નવો પાક એટલો સરસ થયો કે મંજુ અને મગન એક સાથે બોલ્યા,”કાનજીભાઈની માનવતાએ આપણને નવું જીવન આપ્યું. આ મોલત જાણે ઈશ્વરનો આશીર્વાદ!

કાનજીની મદદથી આખું ગામ ફરી હરિયાળું બની ગયું. દરેક ખોરડે ખુશીના દિપક સળગી ઊઠ્‌યા.આખું ગામ માનવતાના બીજથી મ્હોરી ઉઠ્‌યું.

 પોતાના પતિને આપેલ વચન આજે પૂર્ણ થયું હતું. એટલે જ દૂર આસમાનમાં જાેઈ મંજુ મલકાઈ રહી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution