વડોદરા, તા.૨૧

શહેરના ઇલેક્શન વોર્ડ નંબર-૭માં સમાવિષ્ટ નાગરવાડા પટેલ ફળિયા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોના મોરચાએ ગત મોડી રાત્રે મહિલા ભાજપના મહિલા કાઉન્સિલરના નિવાસસ્થાને પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો અને કાઉન્સિલરનો ઘેરાવો કરી ઝાટકણી કાઢી હતી. દરમિયાન આજે મહિલાઓનો મોરચો કોર્પોરેટરની આગેવાનીમાં રજૂઆત માટે વોર્ડ કચેરીએ ધસી ગયો હતો અને તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરીને વોર્ડ કચેરીને તાળાબંધી કરી હતી.

છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરવાડા વિસ્તારના પટેલ ફળિયાની મહિલાઓ દ્વારા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્થાનિક કાઉન્સિલરો તેમજ વોર્ડ કચેરીમાં અનેક રજૂઆતો કરી હતી, તેમ છતાં પાણીની સમસ્યા હલ ન થતાં મહિલાઓ એકઠી થઇ ગત રાત્રે વોર્ડ નં.૭ના ભાજપા મહિલા કાઉન્સિલર ભૂમિકા રાણાના ઘરે પહોંચી હતી અને પાણી મુદ્દે ભારે હોબાળો મચાવી કોર્પોરેટરનો ઘેરાવો કર્યો હતો. લગભગ એક કલાક સુધી આ અંગે ભારે રકઝક ચાલી હતી.

છેલ્લા ત્રણ વર્ષથી પટેલ ફળિયામાં પીવાના પાણીની સમસ્યા છે. ૧૫૦ લોકો વચ્ચે માત્ર એક પાણીની ટેન્કર મોકલી આપે છે તે કેટલું વાજબી છે. આક્રોશિત મહિલાઓએ જણાવ્યું હતું કે, અગાઉ અનેક પાણી બાબતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ યોગ્ય જવાબ મળતા નથી અને સમસ્યા યથાવત્‌ રહે છે. આ ઉપરાંત વોર્ડ ઓફિસોમાં પણ પાણીની સમસ્યા હલ કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ પાણીનો પ્રશ્ન હલ થતો નથી.

આજે સવારે ૧૧ વાગે નાગરવાડા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઇ સ્થાનિક રહીશો કાઉન્સિલર ભૂમિકા રાણાની આગેવાનીમાં વોર્ડ કચેરીએ પહોંચ્યા હતા. પાણીની સમસ્યાથી ત્રાહિમમ્‌ પોકારી ગયેલી નાગરવાડાની મહિલાઓએ વોર્ડ કચેરીને પણ તાળાં મારી દઇ રોષ ઠાલવ્યો હતો. વોર્ડ નં-૭ના કાઉન્સિલર ભૂમિકા રાણાએ જણાવ્યું હતું કે, સ્થાનિકોની રજૂઆત બાદ પાણી વિતરણ થયું છે, પરંતુ દૂષિત પાણીની હજુ સમસ્યા છે. અધિકારીઓના મતભેદના કારણે આ સમસ્યા છે. આ દરમિયાન મહિલાઓના આક્રોશ અને અનેક રજૂઆત છતાં વિસ્તારના અન્ય ત્રણ કોર્પોરેટરો ફરક્યા પણ ન હતા, જેને લઈને મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો. જાે કે, આ વિસ્તારમાં જેલ ટાંકી તૂટ્યા બાદ પાણીની સમસ્યા સર્જાઈ છે. પાલિકાતંત્ર દ્વારા નવી ધરતીની લાઈન જાેડીને બે સ્થળેથી વિસ્તારમાં પ્રેશરથી પાણી મળે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે, પરંતુ હજી પાણીની સમસ્યા યથાવત્‌ રત્તાં મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો.