21, જુન 2022
1188 |
વડોદરા, તા.૨૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સંગઠને વોર્ડ પ્રમુખોને મળવાની વ્યવસ્થા ઉપરાંત અનેકની વીવીઆઈપીમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે કાઉન્સિલરોની બાદબાકી થતાં તેમનામાં કચવાટ શરૂ થયો હતો. મહિલાઓ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલા કાઉન્સિલરોની બાદબાકી થતાં તેનો પડઘો આજે કોર્પોરેશન દ્વારા આજવા ખાતે યોજાયેલી સત્યનારાયણની કથામાં પડયો હતો. મહિલા કાઉન્સિલરોએ મેયરને રજૂઆત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સંગઠને પોતાના વ્યક્તિગત ચાપલૂસોને સાચવવા માટે વીવીઆઈપી પાસ આપ્યા હતા અને કોર્પોરેટરોને વીઆઈપી પાસ આપ્યા હતા. જ્યારે વડાપ્રધાનથી દૂર રાખવાનો પ્રયાસ થતાં કાઉન્સિલરોએ નારાજગી વ્યક્ત કરી હતી. વડાપ્રધાનના આ કાર્યક્રમમાં સભાસ્થળે મેયર, સંસદસભ્ય, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો મળ્યા હતા. ઉપરાંત વોર્ડ પ્રમુખોને પણ વડાપ્રધાનને મળવાનો લાભ મળ્યો હતો. જ્યારે કાઉન્સિલરોને માત્ર વીઆઈપી પાસ આપવામાં આવતાં તેઓ વીઆઈપીના એન્કલોઝર સિવાય બીજે ક્યાંય જઈ ના શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉપરાંત બસો ફાળવવાની અવ્યવસ્થાને લઈને પણ કાઉન્સિલરોમાં નારાજગી જાેવા મળી હતી. ત્યારે આજે આજવા ખાતે યોજાયેલી સત્યનારાયણની કથામાં તેનો પડઘો પડયો હતો અને મહિલા કાઉન્સિલરોએ સાદા વીઆઈપી પાસ આપવા સહિતના મુદ્ે મેયરને રજૂઆત કરતાં કહ્યું હતું કે, સંગઠને તેમના માણસોને ઘૂસાડયા, તો કાઉન્સિલરોને તમે કેમ ના ઘૂસાડયા તેવી રજૂઆત કરી હતી.
પાસ વિતરણની જવાબદારી કોની? તેને લઈને પણ આંતરિક યુદ્ધ શરૂ
વડાપ્રધાનના કાર્યક્રમમાં કોણ ક્યાં બેસશે તેની યાદી શહેર ભાજપા કાર્યાલય ખાતેથી તૈયાર થઈ હતી. પરંતુ અનેક માનીતાઓને વીવીઆઈપી પાસ આપતાં તેમજ કાઉન્સિલરો સહિત અનેકને માત્ર વીઆઈપી પાસ અપાતાં થઈ રહેલા વિરોધ વચ્ચે પાસની ફાળવણીના વિવાદનું ઠીકરું પ્રદેશ ભાજપાના મહામંત્રી પર ફોડવાનો તખ્તો ઘડાઈ રહ્યો હોવાની ચર્ચા હવે ભાજપા વર્તુળોમાં થઈ રહી છે.
વડાપ્રધાનની મુલાકાતમાં કોર્પોરેટરોની બાદબાકીથી ભારે રોષ
વડોદરા, તા.૨૦
વડાપ્રધાનના યોજાયેલા કાર્યક્રમમાં શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ માટે ચૂંટાયેલા કાઉન્સિલરો કરતાં વહીવટદારો મહત્ત્વના છે તેવી ચર્ચા હવે ભાજપા વર્તુળોમાં થઈ રહી છે. આ કાર્યક્રમમાં કાઉન્સિલરોની બાદબાકી કરી માત્ર વીઆઈપી પાસ આપવામાં આવતાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. તો બીજી તરફ શહેર ભાજપા સંગઠને વડાપ્રધાન કાર્યાલયને પણ ગેરમાર્ગે દોર્યું હોવાની અટકળો શરૂ થઈ છે.
વડાપ્રધાનના કાર્યક્રમમાં શહેર ભાજપા સંગઠન દ્વારા વ્યક્તિગત વહીવટદારોને મહત્ત્વના સમજીને વીવીઆઈપી પાસ આપવાની સાથે વડાપ્રધાનને મળવાનો મોકો પણ આપ્યો હતો. પરંતુ બીજી તરફ ચૂંટાયેલા કાઉન્સિલરોને માત્ર વીઆઈપી પાસ આપીને બાદબાકી કરતાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. કાઉન્સિલરોના હળહળતા અપમાનને લઈને ભાજપા મોરચે પણ રોષ ઊભો થયો છે. ત્યારે ભવિષ્યમાં સંગઠનના કાર્યક્રમમાં મોટો ફિયાસ્કો કરાય તેવી અટકળો પણ ભાજપા મોરચે થઈ રહી છે.
મહિલા મોરચાના આગેવાનોને સોશિયલ મીડિયાના માધ્યમથી મનાવવાનો પ્રયાસ
મહિલાઓની યોજના માટે આયોજિત વડાપ્રધાનના કાર્યક્રમમાં મહિલા મોરચાના આગેવાનો, મહિલા કાઉન્સિલરોને દૂર રાખતાં શહેર ભાજપા પ્રમુખ ડો.વિજય શાહ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જાે કે, વિરોધ વધતાં મહિલા મોરચાની ટીમનો જાહેરમાં આભાર વ્યક્ત કરવાને બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી આભાર વ્યક્ત કરવાની ફરજ પડી હોવાની ચર્ચા ભાજપા વર્તુળોમાં થઈ રહી છે.