આણંદ : આણંદ શહેરની પ્રતિષ્ઠિત અપરા હોસ્પિટલમાં કોરોનાના દર્દીની ઓક્સિજનની પાઇપ નાકમાંથી નીકળી જતાં મોત નીપજ્યું હતું! આ ઘટના પાછળ દર્દીના સ્વજનોએ તબીબોની બેદરકારીના આક્ષેપ કર્યાં છે. દર્દીના પરિવારજનોનો આક્ષેપ છે કે, દર્દીએ બેલ મારી હતી, સ્ટાફ હાજર હોવા છતાં કોઈ દર્દી પાસે ગયું ન હતું. પરિણામે દર્દીનું મોત નીપજ્યું હતું. આ મામલે આણંદ ટાઉન પોલીસે દર્દીના પરિવારજનોની અરજીને આધારે તપાસ હાથ ધરી છે.  

દર્દીના પરિવારજનોના આક્ષેપ મુજબ, નડિયાદ તાલુકાના પલાણાના ભૂપેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ (ઉં.૬૫)ને કોરોનાનું સંક્રમણ થતાં આણંદની ડો.અજય કોઠિયાલાની અપરા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. અહીં તેમને આઇસીયુમાં દાખલ કરીને ઓક્સિજન ઉપર સારવાર આપવામાં આવી રહી હતી. તબીયતમાં સુધારો થતાં તેમને આઇસીયુમાંથી પ્રાઇવટ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. આજે સવારે આઠ વાગ્યાની આસપાસ દર્દીની ઓક્સિજનની પાઇપ નાકમાંથી નીકળી ગઈ હતી. ઓક્સિજન લેવલ અતિશય ઘટી જતાં તરફડિયા મારી રહેલાં દર્દીએ હોસ્પિટલનો એલર્ટ બેલ પણ દબાવ્યો હતો. છતાં હાજર સ્ટાફ અને ફરજ ઉપરના ડોક્ટર દ્વારા સમયસર સારવાર આપવામાં ન આવતાં દર્દીનું મોત થયું હતું. જેને પગલે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલને માથે લીધી હતી. ઘટનાની ગંભીરતા સમજીને હોસ્પિટલે આવી પહોંચેલા ડો.અજય કોઠિયાલાએ હોસ્પિટલના સ્ટાફની ભૂલ હોવાનું સ્વીકાર્યું હતું.

ભૂપેન્દ્રભાઈને લગભગ ૧૪ દિવસની સારવારના અંતે આઇસીયુમાંથી બહાર લાવવામાં આવ્યાં હતાં. મૃતકના સ્વજનોએ હોસ્પિટલમાં રોકકળ મચાવી દીધી હતી. એક સ્વજને આક્ષેપ કરતાં કહ્યું હતું કે, સવારે દર્દીનો ઘરે ફોન આવ્યો હતો તેઓને ઓક્સિજનની તકલીફ પડે છે. રૂમમાં કોઈ નથી. બેલ મારે છે, પણ કોઈ આવતું નથી. દર્દીના આવાં ફોન પછી અમે હોસ્પિટલમાં ફોન કર્યો પણ કોઈ જ રિસીવ નહોતું કરતું એ પછી રિસેપ્શનિસ્ટને ફોન કરતાં તેણે જણાવ્યું હતું કે, તમામ સ્ટાફ દર્દીની રૂમમાં પહોંચી ગયો છે. જાેકે, એ પછી ફોન આવ્યો હતો કે, દર્દી મૃત્યુ પામ્યાં છે. અમારે પૂછવું છે કે, દર્દીને જરૂરત હતી ત્યારે સ્ટાફ શું કરતો હતો?

બીજી તરફ હોસ્પિટલમાં આવી પહોંચેલા ડો.અજય કોઠિયાલાએ આ ઘટના અંગે હોસ્પિટલની ભૂલ સ્વીકારતા જણાવ્યું હતું કે, દર્દીના પરિવારજનોએ સ્વજન ગુમાવ્યાં છે તેનું અમને દુઃખ છે. દર્દી કોરોનાને કારણે આઇસીયુમાં હતાં. સારવાર બાદ સારું થતાં તેઓને બહાર રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતાં. દર્દીએ ઇમરજન્સી બેલ મારી હતી. જાેકે, રૂમની સામે આવેલાં નર્સિંગ સ્ટેશન પરથી કોઈએ રિસીવ નહોતો કર્યો. બાદમાં દર્દીએ ઘરે ફોન કર્યો અને ઘરેથી દવાખાને ફોન કરવામાં આવ્યો હતો. ફરજ ઉપરના ડોક્ટર દર્દી પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં દર્દી મૃત્યુ પામ્યાં હતાં. ડોકટરોએ દર્દીને બચાવવા અડધો કલાકથી વધુ સમય સુધી મહેનત કરી હતી, પરંતુ દર્દીને બચાવી શક્યાં નહોતા.

રાત્રે દર્દીની સ્થિતિ સ્ટેબલ હતી : ડોક્ટર

ડો.અજય કોઠિયાલાએ જણાવ્યું હતું કે, રાત્રે દર્દીની પરિસ્થિતિ સારી હતી. છેલ્લે ૯ કલાક આસપાસ દર્દીનો ઓક્સિજન સહિતનો રિપોર્ટ પણ લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે આ ઘટના સ્ટાફની બેદરકારીને કારણે બનેલી જણાય છે. સ્ટાફની બેદરકારી બાબતે દિલગીર છું અને સંબંધીઓના રોષ સાથે સહમત છું.

ઓક્સિજન પાઇપ નીકળી ગયો છે, ઇમરજન્સી બેલનો કોઈ જવાબ આપતું નથી!

મૃતક દર્દીના એક સંબંધીએ જણાવ્યું હતું કે, સવારે ઘરે ફોન આવ્યો ત્યારે ભૂપેન્દ્રભાઈએ એવું કહ્યું હતું કે, મારો ઓક્સિજન પાઇપ નીકળી ગયો છે. ઇમરજન્સી બેલ મારી છે, પણ કોઈ સાંભળતું નથી. એ પછી અમે અમારાં સંબંધીને ફોન કર્યો હતો અને તેમણે ડોક્ટરને ફોન કર્યા ત્યારે સ્ટાફ દર્દીના રૂમમાં ગયો હતો. એ પછી અમને એવું જણાવવામાં આવ્યું કે, તમારાં સંબંધી મૃત્યુ પામ્યાં છે.

સ્ટાફની ભૂલ પણ મારી જ જવાબદારી છેઃ

ડો.અજય કોઠિયાલા

મીડિયા સાથેની વાતચીતમાં ડોક્ટરે કહ્યું હતું કે, સ્ટાફની ભૂલ પણ મારી જ જવાબદારી છે. જાેકે, હું હાજર ન હોઉં અને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેની જવાબદારી હાજર નર્સ અને સ્ટાફની છે. આ બાબતે યોગ્ય તપાસ કરી ફરિયાદ કરવામાં આવશે અને જવાબદાર સ્ટાફને હોસ્પિટલમાંથી છૂટો કરવામાં આવશે.

મૃતકના પરિવારજનોએ આણંદ ટાઉન પોલીસમાં અરજી આપી

આ અંગે આણંદ ટાઉન પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટના અંગે મૃતકના પરિવારજનો દ્વારા ફરિયાદ અરજી આપવામાં આવી છે. તપાસ કરી કસૂરવારો સામે કાયદાની જાેગવાઈ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આણંદના ડોક્ટર અજય કોઠિયાલની હોસ્પિટલમાં તબીબોે અને સ્ટાફની બેકાળજીને કારણે પલાણાના દર્દીની ઓક્સિજન પાઇપ નીકળી જતાં મૃત્યુ થયું હોવાની અરજી તેમનાં પરિવારજનોએ આપી છે.

કાર્યવાહીની ખાતરી મળતાં દર્દીનો મૃતદેહ પરિવારજનોએ સ્વીકર્યો

તબીબી સ્ટાફની ગંભીર બેદરકારીને પગલે આણંદની અપરા હોસ્પિટલમાં દર્દીનું મોત થતાં દર્દીના પરિવારજનોએ મૃતદેહ સ્વકારવાની ના પાડી દીધી હતી. હોસ્પિટલ અને જવાબદાર તમામ ઉપર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. પોલીસ અને અન્ય સંબંધીઓએ રોકકળ કરી રહેલાં પરિવાજનોને કાર્યવાહીની ખાતરી અપાવી સમજાવી મૃતદેહ સ્વીકારવા મનાવી લીધા હતા. આણંદ ખાતે જ મૃતકના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.