ઢાકા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે બાંગ્લાદેશના પ્રવાસે પહોંચ્યા. કોરોના મહામારી બાદ આ તેમનો પહેલો વિદેશ પ્રવાસ હતો. આ દરમિયાન ત્યાંના પીએમ શેખ હસીનાએ એરપોર્ટ પર પહોંચીને તેમનુ જોરદાર સ્વાગત કર્યુ. યાત્રાના પહેલા દિવસે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ શનિવારે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈશ્વરીપુર સ્થિત જેશોરેશ્વરી કાલી મંદિર પહોંચ્યા અને ત્યાં પૂજા અર્ચના કરી. સાથે જ મંદિર માટે એક મોટુ એલાન કર્યુ. આ મંદિરને 51 શક્તિપીઠોમાંનુ એક માનવામાં આવે છે.

મંદિરમાં દર્શન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજે મને મા કાલીના ચરણમાં પૂજા કરવાનુ સૌભાગ્ય મળ્યુ છે. અમે કોરોનામાંથી બહાર આવવા માટે મા કાલીને પ્રાર્થના કરી. મા કાલીના આ મંદિરમાં બંને દેશોના શ્રદ્ધાળુઓ આવે છે. વર્તમાન સમયમાં મંદિર પરિસરમાં કમ્યુનિટી હૉલની જરૂર છે જેના નિર્માણની જવાબદારી ભારતે લીધી છે. પીએમે જણાવ્યુ કે જ્યારે તે 2015માં બાંગ્લાદેશના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે ઢાકેશ્વરી મંદિર જઈને માતાના આશીર્વાદ લીધા હતા.

પીએમના જણાવ્યા મુજબ તેમની કોશિશ રહે છે કે જ્યારે પણ મોકો મળે તો તે શક્તિપીઠોમાં જઈને શીશ ઝૂકાવે. તેમણે કહ્યુ કે મે સાંભળ્યુ છે કે અહીં મા કાલીની પૂજાનો જે મેળો થાય છે તેમાં બહુ મોટી સંખ્યામાં સીમા પારથી લોકો અહીં આવે છે. જ્યારે કમ્યુનિટી હૉલ બની જશે તો તેનાથી લોકોને ઘણી સુવિધા થશે. વળી, જ્યારે કોઈ આફત આવશે ત્યારે આ જ કમ્યુનિટી હૉલ લોકોને શરણ આપવા માટે કામમાં લાગશે. તેમણે આની મંજૂરી માટે બાંગ્લાદેશ સરકારનો આભાર માન્યો.