લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જાન્યુઆરી 2021 |
2970
અમદાવાદ-
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના કાર્યક્રમને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદારે હાઈકોર્ટમાં રીટ કરીને ગુજરાતમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી કરવાની દાદ માગી છે. સાથોસાથ જણાવ્યુ છે કે, મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી બાદ, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવે તો મતદાર મહાનગરપાલિકાની ચૂંટણીના પરીણામથી પ્રભાવિત થઈ શકે છે. આથી રાજ્ય ચૂંટણી પંચે મહાનગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીનું પરીણામ એક જ દિવસે જાહેર કરવું જોઈએ. ગુજરાત હાઈકોર્ટમાં આ રીટ સંદર્ભે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2015માં પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો ત્યારે મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનું પરીણામ એલગ અલગ દિવસે રાખવામાં આવ્યુ હતું. રાજ્ય ચૂંટણી પંચના આ કાર્યક્રમને 2015માં કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અને કોર્ટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે રાખવાનો ગુજરાત રાજ્યના ચૂંટણી પંચને આદેશ કર્યો હતો.