વડોદરા, તા.૨૪

સોમા તળાવ વિસ્તારમાં આવેલ મહેશનગર પાસે ગોકુલનગરના ટેનામેન્ટમાં જય સુનીલકુમાર સુથાર (ઉં.વ.ર૦) તેના પરિવાર સાથે રહેતો હતો. તે મકરપુરા ખાતેની જીઆઈડીસીમાં આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આજે તે રાબેતા મુજબ બાઈક પર નોકરી પર જવા માટે ઘરેથી નીકળ્યો હતો. મકરપુરા જીઆઈડીસી જ્યુપીટર ચોકડી પાસેથી પસાર થતો હતો તે વખતે આ રોડ પરથી માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરચાલકે જય સુથારની બાઈકને અડફેટમાં લેતાં તેને શારીરિક ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવને પગલે રાહદારીઓ અને અન્ય વાહનચાલકો દોડી આવ્યા હતા. લોકોટોળાં એકત્રિત થતાં લોકોનો રોષ પારખી ડમ્પરચાલક પોતાનું ડમ્પર ઘટનાસ્થળે મુકી ફરાર થઈ ગયો હતો. અકસ્માત મોતના બનાવની જાણ માંજલપુર પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી અને ડમ્પર જપ્ત કરી ફરાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ જય સુથારના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ બનાવની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આક્રંદ કરી મૂકયું હતું. પરિવારે દીકરો ગુમાવતાં આઘાતમાં સરી પડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભારદારી વાહનો માટે શહેરમાં એન્ટ્રી માટેના નીતિનિયમો અને સમય નક્કી કરવામાં આવ્યો હોવા છતાં ભારદારી વાહનચાલકો બેફામ દોડાવી રહ્યા છે અને ટ્રાફિકનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ટ્રાફિક સિગ્ન્લ પોઈન્ટ ઉપર ઊભેલી ટ્રાફિક પોલીસ પણ મૂકપ્રેક્ષક બનીને ઊભી રહે છે, જેના કારણે ભારદારી વાહનો બેરોકટોક શહેરમાં પ્રવેશ કરે છે અને બેફામ દોડાવી નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે.