વડોદરા

શહેર નજીક જાંબુઆ ખાતે આવેલ વુડાના મકાનમાં ગઈકાલે મોડી રાત્રે બે સગા ભાઈ અને તેના સંબંધીએ મળી વીસી ચલાવતા ઓટારીક્ષાચાલક યુવકની હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાથમિક તબક્કે હત્યાનું કારણ રૂપિયાની લેતીદેતી હોવાનું મનાઈ રહ્યું છે. હત્યા કર્યા બાદ બંને ભાઈ અને તેના સંબંધી મકરપુરા પોલીસ મથકે હાજર થયા હતા, જ્યાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહીના ભાગરૂપે કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરી તપાસ હાથ ધરી છે.

જાંબુઆ જીઈબી સબસ્ટેશન પાસે વુડાના મકાનમાં રહેતો ૩૫ વર્ષીય મનોજ પરમાર ઓટોરિક્ષા ચલાવવાની સાથે રૂપિયા ઉઘરાવી વીસી ચલાવવાનું પણ કામ કરતો હતો. જેથી નજીકમાં રહેતા કેટલાક લોકો વીસી માટે તેને રૂપિયા આપતા હતા. દરમિયાન થોડા દિવસ પહેલાં નજીકમાં રહેતા સવિતાબેન (નામ બદલ્યું છે)ની રૂા.૧૨ હજારની વીસી લાગી હતી, જેથી તેણીને મનોજે રૂા.૮ હજાર આપ્યા હતા અને બાકીની રકમ પછી આપવા માટે જણાવ્યું હતું. જાે કે, સવિતાબેન બાકીના રૂપિયા લેવા માટે બીજા જ દિવસે મનોજ પરમારના ઘરે પહોંચી ગયાં હતાં, જેથી તે ઉશ્કેરાઈ ગયો હતો અને ઉગ્ર અપશબ્દો બોલી બાકીના રૂા.૪ હજાર ચૂકવી દીધા હતા. ગત શનિવારે મનોજે સવિતાબેનને રિક્ષામાં બેસાડવાની ના પાડી દીધી હતી, પરંતુ બપોરના સમયે મકરપુરા રોડ પર આવેલ આકાશવાણી નજીક સવિતાબેન અને મનોજ પરમાર મળતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં મનોજ પરમારે સવિતાબેનને લાફા ઝીંકી દીધા હતા. જે અંગેની જાણ સવિતાબેનના બે પુત્રો ગણેશ ઉર્ફે કાલુ રઈજીભાઈ પરમાર, સંજય રયજીભાઈ પરમાર અને તેના સંબંધી ઋત્વિજ શાંતિલાલ પરમારને થઈ હતી.

સવિતાબેનને લાફા મારી દીધા બાદ મનોજ પરમાર સુરત ખાતે રહેતા સંબંધીના ઘરે પ્રસંગ હોઈ ત્યાં ગયો હતો. ગત રાત્રે તે પરત વડોદરા આવ્યો હતો અને રિક્ષામાં બેસી જાંબુઆ ઘરે આવી રહ્યો હતો. તે રિક્ષામાંથી ઉતરીને ચાલતો ચાલતો ઘર તરફ જતો તે જ સમયે રાત્રે ગણેશ પરમાર, તેનો ભાઈ સંજય પરમાર અને ઋત્વિજ પરમારનાઓ તેના ઉપર ચપ્પુ વડે ગળાના ભાગે ઘા મારી દીધા હતા. જેથી તે ઢળી પડતાં ઉપરાછાપરી ચાકુના પાંચથી સાત ઘા મારી તેની હત્યા કરી નાખવામાં આવી હતી.

લુહીલુહાણ હાલતમાં મનોજ પરમારને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં તેને મૃત જાહેર કર્યો હતો. જાે કે, હત્યા કર્યા બાદ બનાવસ્થળેથી ભાગી ગયેલા હત્યારા પરમારબંધુઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસે તેમની ધરપકડ કરી કોરોના ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરી સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં કોરોના ટેસ્ટ માટેની પ્રક્રિયા હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી.