ચૂંટણીમાં કિંગમેકર બની રહ્યા છે યુવા મતદારો

લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીના પરિણામો આવ્યા પછી હવે એનું વિસ્તૃત વિશ્લેષણ થવા લાગ્યું છે. દેશના યુવા મતદારોએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીના પરિણામોને એક અલગ ધાર આપી છે એ વિશ્લેેષણમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે ત્યારે હવે આવનારા સમયમાં યુવા મતદારો જ ભારતના રાજકીય ભવિષ્યના ઘડવૈયા તો નહીં બને ને એવી ભીતિ દેશના તમામ રાજકીય પક્ષોને સતાવી રહી છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં કુલ ૯૬.૮૮કરોડ મતદારોમાંથી ૨૧.૫૯ કરોડ મતદારો ૩૦ વર્ષથી ઓછી ઉંમરના હતા જે કુલ મતદારોના ૨૨.૨૯ ટકા થાય છે. આશરે કહેવું હોય તો કહી શકાય કે ૨૦૨૪ની ચૂંટણીમાં દર ચોથો મતદાર ૩૦ વર્ષથી ઓછી ઉંમરનો હતો. એમાં પણ ૧૮-૨૨ વર્ષના વયજુથમાં ૧૩ ટકા મતદારો હતા એટલે કે દર સાતમો મતદાર ૧૮-૨૨ વર્ષની વયજુથનો હતો.

૨૦૨૪ની ચૂંટણીઓમાં દેશની વસતીમાં ૧૮-૧૯ વર્ષના યુવાનોની સંખ્યા ૪.૯ કરોડ હોવા છતાં ચૂંટણી પંચ એમાંથી માત્ર ૩૮ ટકા એટલે કે ૧.૮૫ કરોડનું જ મતદાર તરીકે રજીસ્ટ્રેશન કરી શકી હતી. બિહાર, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ૧૮-૧૯ વર્ષના યુવાઓનું મતદાર તરીકેનું રજીસ્ટ્રેશન બહુ જ ઓછું થયું હતું. રાજકીય પક્ષોએ આ વયજૂથના યુવાઓના રજીસ્ટ્રેશન માટે બહુ રસ દર્શાવ્યો ન હતો એ પણ આ ઓછા રજીસ્ટ્રેશન માટે કારણભૂત હતું. ચૂંટણી પંચે જેઓ ૧૮ વર્ષ પૂર્ણ કરે એ તમામનું મતદાર તરીકે રજીસ્ટ્રેશન કરવા માટે ખાસ શિબિરો અને બુથ આધારિત કાર્યક્રમનું આયોજન તમામ રાજકીય પક્ષો અને સામાજિક અને જ્ઞાતિઓની સંસ્થાઓની મદદ લઈને કરવું જાેઈએ જેથી એકપણ યુવા મતદાર રજીસ્ટ્રેશન વગરનો ન રહે.

આમ એકંદરે દેશભરમાં ૧૮થી ૨૨ વર્ષની વયજૂથના મતદારો દેશની રાજનીતિમાં વ્યાપક પ્રમાણમાં સક્રિય થઈ રહ્યા છે. તેમનો સામૂહિક અવાજ દેશની નીતિઓને પ્રભાવિત કરી શકે છે તથા દેશના ભાવિ રાજકીય લેન્ડ-સ્કેપને ધાર્યો આકાર આપી શકે એવી તાકાત ધરાવે છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓએ આ વાત સાબિત કરી દીધી છે. દેશના રાજકીય પક્ષો પણ આ પરિવર્તનથી સારી રીતે વાકેફ છે.

એનું ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સાત ટોચના ગેમિંગ ઇનફ્લૂએન્સર સાથે વાર્તાલાપ કરતા હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યો હતો. આ સાત ટોચના ગેમિંગ ઇનફલૂએન્સરની સરેરાશ ઉંમર ૨૫ વર્ષની હતી. તેમની ગેમનો વડાપ્રધાન મોદી કેવી રીતે તેમના પ્રવચનોમાં ઉપયોગ કરી શકે એ અંગે સઘન ચર્ચા આ વાર્તાલાપ દરમિયાન થઈ હતી. બીજા એક અતિ પ્રભાવી કાર્યક્રમની વાત કરવી અસ્થાને નહીં હોય. નેશનલ ક્રિએટર્સ એવોર્ડ ફોર ઓનલાઈન કન્ટેન્ટના કાર્યક્રમ દરમિયાન મોદીએ રણવીર અલ્લાહબાદિયા અને કામિયા જાની જેવા જાણીતા સોશિયલ મીડિયા ઇનફલૂઅન્સર સાથે મૈત્રીપૂર્ણ મસ્તીનો આનંદ માણ્યો.

વિરોધપક્ષો અને ઈન્ડિયા ગઠબંધન માટે રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા ઇનફ્લૂએન્સરનો પ્રભાવી ઉપયોગ કર્યો હતો અને એનો ફાયદો ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસને થયો છે એ વિશ્લેષણમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ બેરોજગારી અને અગ્નિવીર યોજનાને ઈન્ડિયા ગઠબંધન માટે એક મહત્વના ચૂંટણી મુદ્દા તરીકે સ્થાન આપ્યું હતું. યુવાનો માત્ર આબોહવા પરિવર્તન, આર્થિક અસમાનતા અને સામાજિક ન્યાય જ નહીં પરંતુ બેરોજગારી, દેવાની રાહત અને અગ્નિવીર જેવી યોજનાઓના કારણે ચિંતિત હતા તેનો ફાયદો રાહુલ ગાંધી અને ઈન્ડિયા ગઠબંધને સોશિયલ મીડિયા ઇનફલૂએન્સરના માધ્યમથી લીધો હતો.

આના કારણે ઈન્ડિયા ગઠબંધનને ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓમા ૧૫ ટકા સ્વિંગ યુવા મતદારો તરફથી મળતો જાેવા મળ્યો. એનડીએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓમાં ૪૩ ટકા યુવા મતદારોનો શેર ધરાવે છે જે ૨૦૧૯ની ચૂંટણી કરતાં એક ટકાનો ઘટાડો સૂચવે છે. આ હકીકતમાં એક ટકાનો ઘટાડો માત્ર નથી. ૨૦૨૪ની ચૂંટણીમાં સોશિયલ મીડિયા ઇનફલૂઅન્સરનો પ્રભાવી ઉપયોગ ન થવાના કારણે એનડીએએ સરેરાશ ૨૫થી ૩૦ ટકા યુવા મત ઓછા મેળવ્યા છે.

ઈન્ડિયા ગઠબંધનને યુવા મતદારોમાં હરિયાણામાં ૧૮ ટકા અને રાજસ્થાનમાં ૧૨ ટકા સ્વિંગ જાેવા મળ્યો. જેને કારણે ભાજપ અને એનડીએએ ઘણી બેઠકો ગુમાવી. એનડીએને માત્ર આંધ્રપ્રદેશ(૧૩ ટકા સ્વિંગ) અને કર્ણાટક(૦૩ ટકા સ્વિંગ)માં જ યુવા મતદારોનો સ્વિંગ જાેવા મળ્યો. ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં પણ ભાજપે માત્ર ૫૮ ટકા યુવા મતદારોના મત મેળવ્યા છે. યુવા મતદારો ભાજપ અને એનડીએથી દૂર થવાના કારણે ભાજપને અને એનડીનેને કુલ મતશેરમાં ૨૦૧૯ કરતાં ૨૦૨૪માં રાજસ્થાનમાં ૧૮ ટકા, હરિયાણામાં ૧૩ ટકા, ઉત્તરાખંડમાં ૬, બિહારમાં ૬ અને મહારાષ્ટ્રમાં ૫ ટકા મતશેરનું નુકશાન થયું છે. ઈન્ડિયા ગઠબંધનના મતનું વિશ્લેષણ કરતાં જાેવા મળ્યું છે કે આ ગઠબંધનને યુવા મતદારો ઈન્ડિયા ગઠબંધન તરફ વળતાં કુલ મતશેરમાં ૨૦૧૯ કરતાં ૨૦૨૪માં હરિયાણામાં ૧૮ ટકા, ઉત્તરપ્રદેશમાં ૧૭ ટકા, રાજસ્થાનમાં ૧૨ ટકા, મહારાષ્ટ્રમાં ૮ ટકા અને બિહારમાં ૮ ટકા મતશેરનો ફાયદો થયો છે અને તેને કારણે તેમની બેઠકોમાં અણધાર્યો વધારો નોંધાયો છે.

આટલી મોટી ઊલટફેરનું કારણ યુવા મતદારોની મતની ટકાવારી પણ છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓથી લઈને ૨૦૨૪ સુધીની ચૂંટણીઓમાં યુવા મતદારોએ ખૂબ જ સક્રિય રીતે મતદાનમાં ભાગ લઈને મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. ૨૦૦૯માં યુવા મતદારોનું મતદાન ૫૪ ટકા હતું તે ૨૦૧૪માં વધીને ૬૮ ટકા થયું હતું જેમાંથી મોટાભાગના યુવા મતદારોએ ભાજપ એનડીએને પસંદ કર્યું હતું. ૨૦૧૯માં યુવા મતદારોએ ૬૭ ટકા મતદાન કર્યું હતું. આમાંથી ૬૩ ટકા યુવા મતદારોએ એનડીએ અને ભાજપ માટે મતદાન કર્યું હતું.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં ૯૫ બેઠકો એવી હતી જ્યાં હાર-જીતનું માર્જિન ૫ ટકાથી ઓછું હતું. ૨૦૨૪માં આ ૯૫ બેઠકો પર અણધાર્યું અકલ્પનીય પરિણામ પ્રાપ્ત થયું છે. તેનું નુકશાન એનડીએને થયું. આમ, રાજકીય પક્ષોમાં દેશના યુવા મતદારોને પોતાની તરફ ખેંચવા માટે એક હોડ ૨૦૨૪ની ચૂંટણીઓથી શરૂ થઈ છે. સતત ત્રણ દાયકાઓથી યુવા મતદારો ભાજપ અને એનડીએ સાથે જ રહેતા જાેવા મળતા હતા તેમાં ૨૦૨૪ની ચૂંટણીમાં વ્યાપક પરિવર્તન જાેવા મળી રહ્યું છે. ભાજપ અને એનડીએ માટે આ ખતરાની ઘંટડી સમાન છે.

કોઈપણ રાજકીય પક્ષ કે ગઠબંધન સત્તા પર આવે તેણે મૂળભૂત રીતે યુવા કેન્દ્રિત નીતિઓ લાવવાની અને યુવાનો માટે વધુ તકો ઊભી કરવાની અનિવાર્યતા દેખાઈ રહી છે. કારણ કે યુવા મતદારોને દેશ અથવા દુનિયામાં શું ચાલે છે અને તેમાં ભારત કેવો પ્રભાવ પાડે છે તેના વિષે તેઓ વિચારતા જ નથી. યુવા મતદારો માટે તેઓની પોતાની જિંદગી કેટલી મુશ્કેલીઓ વચ્ચે ચાલી રહી છે તે વધારે મહત્વનું છે. હજુ પણ તેમના માટે મુખ્ય મુદ્દાઓ બેરોજગારી, કારકિર્દી અને શિક્ષણ છે તો યુવતીઓ માટે તેમની સલામતી, સતામણી અને દુર્વ્યવહાર છે. યુવા મતદારો હવે વધારે બોલકા થયા છે અને વધારે ને વધારે પ્રમાણમાં મતદાન કરતાં થયા છે ત્યારે યુવા મતદારોની અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ પૂરી કરવી તમામ રાજકીય પક્ષોનું ધ્યેય રહેશે.

આવનારા દસકમાં યુવા મતદારો જ ભારતના રાજકીય ભવિષ્યના ઘડવૈયા બનવાના છે ત્યારે તમામ રાજકીય પક્ષો અને ગઠબંધને યુવા મતદારોને પોતાના પડખામાં કરવા માટે દરેકે પોતાની યુવા પાંખને વધારે મજબૂત કરવી પડશે. યુવા નેતૃત્વને પ્રાધાન્ય આપવું પડશે. દરેક રાજકીય પક્ષે “યૂથ મેનિફેસ્ટો” બનાવવો પડશે. યુવા મતદારો વચ્ચે જવું પડશે. ઓનલાઈન કન્ટેન્ટ ક્રિએટર્સ, યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા ઇનફલૂઅન્સર જે કહે છે તેને યુવા મતદારો માની લેતા હોય છે અને ૨૦૨૪ની ચૂંટણીઓમાં તેઓની પાછળ દોરવાઈ જતાં જાેવા મળ્યા છે. આ પરિસ્થિતિને જાેતાં દેશના દરેક રાજકીય પક્ષે યુવા મતદારોને સાચી માહિતીથી માહિતગાર કરવા પડશે. સાચું શું છે તે દર્શાવવા માટે આંકડાકીય માહિતીનો ખજાનો યુવા મતદારો સમક્ષ લૂંટાવી દેવો પડશે. જાે યુવાનોને સાચી માહિતીથી માહિતગાર નહીં રાખવામાં આવે અને યુવા-કેન્દ્રિત નીતિઓ ઘડવામાં નહીં આવે તો યુવા મતદારો દેશને એક અલગ દિશા તરફ લઈ જઈ શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution