મુંબઇ-

ગિફ્ટ કાર્ડને નામે અમેરિકાના નાગરિકોને છેતરતા ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ કરનારી અંધેરી પોલીસે ૧૦ જણની ધરપકડ કરી હતી. પોલીસે ૧૦૯ મોબાઇલ, ૮૩ હાર્ડડિસ્ક અને રાઉટર સહિત અન્ય મતા જપ્ત કરી હતી.

પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં મોહંમદઅલી અબ્દુલ્લા મરઝુકી, તપેશ ઉલ્હાસવર્ધન ગુપ્તા, નાસીર અબ્દુલ ગોરી, ઘનશ્યામ મોદી, શૌકત મોહંમદ શેખ, મનોજ જયસ્વાલ, શુભમ મહેન્દ્ર પાંડે, અભિનવ ભામી, રાજ સોની અને ભાવેશ કોસંબેનો સમાવેશ છે. ગેરકાયદે કોલ સેન્ટરમાં કામ કરતા મળી આવેલા ૯૫ પુરુષ અને અંધેરી પૂર્વમાં અંધેરી-કુર્લા રોડ પર મહેતા એસ્ટેટ ખાતે ગેરકાયદે કોલ સેન્ટર ચલાવીને અમેરિકાના નાગરિકોને છેતરવામાં આવતાં હોવાની માહિતી અંધેરી પોલીસને મળી હતી. આથી પોલીસની ટીમે શુક્રવારે મોડી રાતે કાર્યવાહી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ અમેરિકાના નાગરિકોના ડેટા મેળવ્યા બાદ તેમનો સંપર્ક સાધતા હતા. તમારું એમેઝોન એકાઉન્ટ હૅક થયું છે અને કોેઇ વ્યક્તિ તેના દ્વારા ખરીદી કરી રહી છે, જેનું પેમેન્ટ તમારે ચૂકવવાનું પડશે, એવું આરોપીઓ તેમને કહેતા હતા. બાદમાં અમેરિકનોને ગિફ્ટ કાર્ડ ખરીદવાનું કહેવામાં આવતું હતું અને તેનો કોડ નંબર માગ્યા બાદ પૈસા સ્વીકારીને આરોપીઓ તેમને છેતરતા હતા.