‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ૧૦ને ૬ મહિનાની સજા

રાજપીપળા, તા.૨૪

 ડેડીયાપાડા તાલુકાના બોગજ ગામે વર્ષ ૨૦૨૧ ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે બબાલ થઈ હતી.બોગજ ગામના સતિષ કુંવરજી વસાવાએ ડેડીયાપાડાના હાલના ધારાસભ્ય એવા ચૈતર વસાવા સહિત ૧૦ જણા વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટ ચૈતર વસાવા સહિત તમામ આરોપીઓને ૬ મહિનાની સાદી કેદ તથા ૧ હજાર રૂપિયા દંડની સજા ફટકારી છે.પરંતુ ચૈતર વસાવા સહિત અન્ય ૧૦ લોકોએ સજા ભોગવવાની જરૂરિયાત રહેશે નહીં.તેની જગ્યાએ આ આરોપીઓએ સી.આર.પી.સી ની કલમ ૩૬૦ મુજબ સારી વર્તુણક માટે શરતોને આધીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.અને દરેક આરોપીને રૂ.૨૦,૦૦૦/- ના જાત જામીન ઉપર આપવાની અને દંડની રકમ ૧૫ દિવસમા કોર્ટમાં જમા કરાવવાની રહેશે.આ પ્રકારનો ચુકાદો ૨૩ મે ૨૦૨૩ ના રોજ નર્મદાની સેશન્સ કોર્ટના જજ આર.એન.જાેશી દ્વારા ખુલ્લી કોર્ટમા સંભળાવવામાં આવ્યો હતો.સતિષ કુંવરજી વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તારીખ ૧૯-૧૨-૨૦૨૧ ના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘર આગળ ફળિયાના અન્ય ૬ માણસો સાથે બેસી તાપણું કરી રહ્યા હતા એ સમયે તેમના જ ગામના ચૈતરભાઈ દામજીભાઈ વસાવા સહિત અન્ય ૧૦ જણા ટોળા સ્વારૂપે ધસી આવી હુમલો કર્યો હતો.

આ બાબતે સતિષ કુંવરજી વસાવાએ ચૈતરભાઈ દામજીભાઈ વસાવા, શાંતિલાલ દામજીભાઈ વસાવા, સંજયભાઈ રૂપજીભાઈ વસાવા, જીતેન્દ્રભાઈ નાથાલાલ વસાવા, મુકેશભાઈ છત્રસિંહ વસાવા, ઈશ્વરભાઈ મૂળજીભાઈ વસાવા અને અન્ય વિજય ચુનીલાલ વસાવા, ગણેશ રાવલજી વસાવા, રતિલાલ મંગા વસાવા, અને જયરામ ગોવિંદ વસાવા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.આ બાબતનો કેસ નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટ સમક્ષ ચાલી જતા, જજ આર.એન.જાેશીએ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય ૧૦ લોકો સામે ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૨૩ ના ગુના બદલ ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ ૨૩૫ (૨) અન્વયે તકસીરવાન ઠરેવી દરેક આરોપીને ૬ માસની સાદી કેદ અને ૧ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.અને જાે દંડ ના ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવ્યા હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution