વડોદરા, તા. ૭

પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા પર પરિચિત યુવકે પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારના કારણે સગીરા ગર્ભવતી બની હોવાની જાણ થતાં જ પ્રેમીયુવક અન્ય સ્થળે લગ્ન કરી સાસરીમાં રહેવા જતો હતો. આ બળાત્કારના બનાવની સગીરાએ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસ અત્રેની અદાલતમાં ચાલી પ્રેમીયુવકને દસ વર્ષની કેદની સજા ભોગવી ૧૫ હજારનો દંડ ભરવાનો આદેશ થયો હતો.

પાદરા તાલુકાના શાણપુરા ગામમાં રહેતા ૨૪ વર્ષીય દિલીપ ઈશ્વર વસાવાએ ચાર વર્ષ અગાઉ તેની પરિચિત ૧૭ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરા ઘરમાં એકલી હોય ત્યારે દિલીપે તેના ઘરે જઈ તેને લગ્નની લાલચ આપી હતી અને તેની પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારના પગલે સગીરા ગર્ભવતી બની હતી પરંતું પરિવારજનોને ડરના કારણે તેણે આ અંગેની પરિવારજનોને કોઈ જાણ કરી હતી અને તે ખુલ્લા કપડાં પહેરતી હતી. જાેકે સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતાં પરિવારજનો તેને ગોત્રી સરકારી દવાખાનામાં લઈ ગયા હતા જયાં તે આઠ માસથી ગર્ભવતી હોવાની ચોંકાવનારી જાણ થઈ હતી અને ત્યારબાદ ઓક્ટોબર-૨૦૧૯માં સગીરાએ એક સંતાનને જન્મ આપ્યો હતો.

બીજીતરફ સગીરા ગર્ભવતી હોવાની જાણ થતાં જ દિલીપ વસાવાએ અન્ય સ્થળે સગાઈ કરી હતી અને લગ્ન બાદ તે સાસરીમાં રહેવા માટે જતો રહ્યો હતો જયાં તેની પત્નીએ પણ એક સંતાનને જન્મ આપ્યો છે. આ બનાવની સગીરાએ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિલીપ વસાવા વિરુધ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ અત્રેના સ્પેશ્યલ પોક્સો એન્ડ એડી.સેશન્સ જજ સલીમ મન્સુરીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ અતુલભાઈ વ્યાસની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી દિલીપને ૧૦ વર્ષની કેદની સજા ફટકારી કુલ ૧૫ હજારનો દંડ ભરવાનો આદેશ કર્યો હતો.