અમદાવાદના માર્ગો પર હવે ૧૦૦૦ ઇલેક્ટ્રિક બસો દોડશે:ઇ બસોમાં માટાપાયે વધારો કરાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, માર્ચ 2026  |   2277

અમદાવાદ : એએમસી દ્વારા ગ્રીન ટ્રાન્સપોર્ટને વધુ મજબૂત બનાવવા માટે મોટા પાયે નવા ઓર્ડર્સ આપવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં કુલ ૫૬૧ ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેમાં એએમટીએસ માટે ૩૧૧ બસો અને બીઆરટીએસમાટે ૨૫૦ બસોનો સમાવેશ થાય છે. આ તમામ બસોનું સપ્લાય અને ઓપરેશન વર્ષ ૨૦૨૬ દરમિયાન તબક્કાવાર શરૂ થશે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ હવે સ્માર્ટ સિટીની સાથે ‘ગ્રીન સિટી’ તરીકે પણ વિશ્વસ્તરે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે. પર્યાવરણની સુરક્ષા અને આધુનિક જાહેર પરિવહનને પ્રાધાન્ય આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ગ્રીન ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે એક ઐતિહાસિક છલાંગ લગાવી છે. શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને મુસાફરોને અત્યાધુનિક સુવિધા આપવા માટે એએમસી દ્વારા મોટા પાયે ઈલેક્ટ્રિક બસોના ઓર્ડર આપવામાં આવ્યા છે. જેમાં કુલ ૫૬૧ ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર અપાયો (એએમટીએસ માટે ૩૧૧ અને બીઆરટીએસ માટે ૨૫૦). આ બસો ૨૦૨૬ સુધીમાં સેવામાં કાર્યરત થશે. આ કાર્યક્રમ હેઠળ ૧૦૦૦ નવી ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર અપાઈ ચૂક્યો છે. જ્યારે ૬૬૦ બસો માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે અને અન્ય ૩૦૦ બસો માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. વર્ષ ૨૦૨૭ સુધીમાં અમદાવાદના રસ્તાઓ પર કુલ ૧૯૬૦ નવી ઈલેક્ટ્રિક બસો ઉમેરાશે, જે શહેરના જાહેર પરિવહનનો ચહેરો બદલી નાખશે. આ પહેલ માત્ર સુવિધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે પર્યાવરણ અને અર્થતંત્ર માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. ૨૦૩૦ સુધીમાં ૩૦૦૦ ઈલેક્ટ્રિક બસો કાર્યરત થવાથી વાર્ષિક અંદાજે ૧.૧૦ લાખ ટન કાર્બન ઉત્સર્જન ઘટશે. ડીઝલના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થવાથી વિદેશી મુદ્રાની બચત થશે. ઈલેક્ટ્રિક બસોમાં મિકેનિકલ પાર્ટ્સ ઓછા હોવાથી મેન્ટેનન્સ ખર્ચ ઓછો રહે છે અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધે છે. અવાજ વગરની અને એસી સુવિધા ધરાવતી આ બસો નાગરિકોને ખાનગી વાહનો છોડી જાહેર પરિવહન અપનાવવા પ્રેરે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution