ભારત પર ૧૦૦૦ કિમી વાદળોનો જમાવડો, ભારે વરસાદની શક્યતા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026  |   1683

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સેટેલાઇટ તસવીરોમાં ભારતના ભાગોમાં લગભગ ૧,૦૦૦ કિલોમીટર સુધી ફેલાયેલો વાદળોનો એક વિશાળ જથ્થો જાેવા મળ્યો છે. આ દ્રશ્યો સક્રિય ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ (પશ્ચિમી વિક્ષેપ)ના કારણે આગામી દિવસોમાં આવનારા વરસાદી માહોલનો સંકેત આપે છે. સેટેલાઇટ ઇમેજરીમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં જાડા અને બહુસ્તરીય વાદળોનું આવરણ જાેવા મળી રહ્યું છે. આ વાદળપટ્ટો પાકિસ્તાન સરહદ ઓળંગીને ભારત તરફ આગળ વધી રહ્યો છે.

હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, આટલા મોટા પાયે વાદળોનો જમાવડો વાતાવરણમાં ભારે ભેજ અને અસ્થિરતા સૂચવે છે. તેના કારણે આગામી ૪૮ થી ૭૨ કલાકમાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ, વાવાઝોડું અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની અને તાપમાનમાં અચાનક ઘટાડો થવાની પણ સંભાવના છે. ખાસ કરીને હિમાલયની તળેટી અને મેદાની વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે ખેડૂતોને ખાસ ઍલર્ટ કર્યા છે, કારણ કે આ કમોસમી વરસાદ ઊભા પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે. તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને જંતુનાશકોનો છંટકાવ ટાળવા સલાહ અપાઈ છે. અચાનક આવતા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતાને ધ્યાને રાખી મુસાફરી ટાળવા અથવા સાવચેત રહેવા જણાવાયું છે.

આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્રતા એટલી વધારે છે કે તેની અસર ભારતની સરહદ ઓળંગીને પાકિસ્તાન સુધી પણ જાેવા મળી રહી છે. સત્તાવાળાઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને લોકોને સત્તાવાર માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution