ખાડીપૂરથી ૨૪ કલાકમાં ૧૧નાં મોત ત્રણ દિવસમાં મૃત્યુઆંક ૩૭ પર પહોંચ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુલાઈ 2026  |   1584

સુરત શહેરમાં છેલ્લા ૨૪ કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. સતત વરસાદ અને ખાડીપૂરને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં દુર્ઘટનાઓની શ્રેણી સર્જાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરનાં વિવિધ વિસ્તારોમાં કુલ ૧૧ લોકોનાં ડુબવાથી મોત નોંધાયા છે, જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને ૩૭ પર પહોંચી ગયો છે. વરસાદી પાણીમાં ડૂબી જવાના તેમજ પાણીના પ્રવાહમાં તણાઈ જવાના બનાવોએ સમગ્ર શહેરમાં શોકની લાગણી ફેલાવી છે.

મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના વતની અને હાલ ડીંડોલીના ખરવાસા રોડ પર બોણંદગામ પાસે બદરીનાથ સોસાયટીમાં રહેતા ૧૯ વર્ષીય હર્ષલ પ્રવીણભાઈ પાટીલ તથા તેમના ૩૧ વર્ષીય પડોશી મિત્ર અજીત બલિરામ પટેલ (મૂળ બિહારના વતની) ગત ૭ જુલાઈએ ગ્રેંડોલીનાં શ્યામ બંગલોઝ ખાતે રંગકામ માટે ગયા હતા. કામ પૂર્ણ કરીને પરત ફરતી વખતે સચિન રોડ પર ખરવાસા તળાવ નજીક ભારે વરસાદના પાણીમાં બંને તણાઈ ગયા હતા. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. ગુરુવારે સવારે રાહદારીઓની નજર બંનેના મૃતદેહ પર પડતાં પોલીસે તેમને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. મોટા વરાછાના પેડલ રોડ વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય અલ્પેશ રમેશભાઈ દેસાઈ ૭ જુલાઈએ સાંજે કડોદરામાં આવેલી પોતાની એમ્બ્રોઇડરી યુનિટથી બાઈક પર ઘરે નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ ગુમ થઈ ગયા હતા. ગુરુવારે સવારે વાલક પાટિયા પાસે નિર્માણાધીન ઇન્ફિનિટી બિલ્ડિંગ નજીકની ખાડીમાંથી ફાયર બ્રિગેડે તેમનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અલ્પેશ મૂળ અમરેલી જિલ્લાના વતની હતા અને તેમના પરિવારમાં પત્ની તથા એક પુત્ર છે. પાસોદરાના સ્વસ્તિક રેસિડન્સીમાં રહેતા ૨૭ વર્ષીય સંદીપ મનસુખભાઈ ચોવટિયા અને તેમના ૨૫ વર્ષીય ભાઈ દર્શન વરાછામાં ફોર વ્હીલ રિપેરિંગ ગેરેજ ચલાવે છે. ૭ જુલાઈએ સાંજે ગ્રાહકની કાર રિપેર કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે વાલક પાટિયા નજીક નીલકંઠ હાઈટ્સ પાસે રોડ પર પાણી ભરાઈ જતાં તેમની કાર પાણીના જાેરદાર પ્રવાહમાં ખેંચાઈ ગઈ હતી. બંને ભાઈઓએ કારના કાચ ખોલીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. દર્શન લાકડાનો ટેકો મળતાં બચી ગયા, જ્યારે સંદીપ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયા હતા. નજીકની સ્કૂલના વોચમેને ટોર્ચનો પ્રકાશ કરીને દર્શનને બહાર આવવામાં મદદ કરી હતી. ફાયર બ્રિગેડે કારને બહાર કાઢી લીધી છે, પરંતુ સંદીપની મોડી સાંજ સુધી કોઈ ભાળ મળી નહોતી. મૂળ બિહારના વતની અને હાલ સચિનના પાલીગામ ખાતે નીલકંઠ સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષીય પ્રમોદભાઈ મનસુરામ ભાડાણી ભેસ્તાન રોડ પર ઇકલેરા ગામ બ્રિજ પાસે પાનનો ગલ્લો ચલાવતા હતા. ભારે વરસાદ દરમિયાન અચાનક પાણી ફરી વળતાં તેઓ ગલ્લા સાથે જ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. ગુરુવારે સવારે તેમના ગલ્લાથી આશરે ૫૦ મીટર દૂર તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના પરિવારમાં બે પુત્ર છે. ભેસ્તાન રોડ પર ઇકો વયમંડળ પાસે એસએમસીની પાણીની ટાંકી નજીકથી ૩૦થી ૩૫ વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. મૃતકે કાળા રંગની ટી-શર્ટ અને બ્લેક નાઇટ પેન્ટ પહેરી હતી તેમજ જમણા હાથ પર દિલનું ટેટૂ અને તેમાં અંગ્રેજી અક્ષર ‘ઇ’ લખેલું છે. બીજાે મૃતદેહ ઉન પાટિયા રોડ પર જન્નત બંગલા સામે અનુ ખાડીમાંથી મળી આવ્યો હતો. અંદાજે ૩૦થી ૩૫ વર્ષના આ અજાણ્યા પુરુષના જમણા હાથ પર હિન્દીમાં ‘માં’ લખેલું ટેટૂ છે. બંને બનાવોમાં ભેસ્તાન પોલીસે તપાસ શરૂ કરી છે. લિંબાયતનાં ખાનપુરા વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય કામરાન સાદિક પટેલનો મૃતદેહ મીઠીખાડી નજીકથી મળી આવ્યો હતો. તેઓ વરસાદી પાણીમાં ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હનુમાન શેરી, મીઠીખાડી વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષીય જાવેદ હબીબ શાહ પણ ઘર નજીક પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા હતા. મામાનગરમાં રહેતા ૨૯ વર્ષીય મનોજ લાલજી સારેલનો મૃતદેહ પણ ઘર નજીક ખાડીના પાણીમાંથી મળી આવ્યો હતો. ગોડાદરાના દ્રાક્ષેશ્વરનગર વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય ધનરાજ બાપુદાસ ધકાતેનો મૃતદેહ પુણા રોડ પર આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટ પાછળથી મળી આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution