લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુલાઈ 2026 |
1683
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવ ઘટવાનો ફાયદો હવે ભારતીય ગ્રાહકોને મળવા લાગ્યો છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી ઈંધણ કંપની નાયરા એનર્જી એ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર રૂ.૫ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર રૂ.૩ નો ઘટાડો કર્યો છે. આ નવી કિંમતો ૧ જુલાઈ ૨૦૨૬થી તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયગાળામાં ઈંધણના ભાવમાં આ સૌથી મોટો ઘટાડો છે. કંપનીનો આ ર્નિણય એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો તણાવ ઓછો થયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો નીચે આવી છે. મુખ્ય દરિયાઈ વેપાર માર્ગો ફરી ખુલવાના કારણે ક્રૂડ ઓઈલ અને એલએનજી નો વૈશ્વિક પુરવઠો સામાન્ય બન્યો છે, જેના લીધે તેલના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો છે. નાયરા એનર્જીએ આ ભાવઘટાડો દેશભરમાં આવેલા તેના ૭૦૦૦ થી વધુ પેટ્રોલ પંપ પર લાગુ કરી દીધો છે.
હોર્મુઝ શાંત થતાં વાણિજ્યિક સિલિન્ડરના ભાવમાં સીધો રૂપિયા ૧૮૩નો ઘટાડો
મહિનાના પહેલા જ દિવસે દેશવાસીઓને મોટી ખુશખબર આવી છે. સરકારે ૧૯ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૧૮૩.૫૦ રૂપિયા ઘટાડ્યો છે. આ ઘટાડા પછી હવે તેનો ભાવ રૂ.૨૯૩૦ થઈ ગયો છે જે પહેલા રૂ.૩,૧૧૩.૫૦ હતો. ૧૪.૨ કિલોવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરની કિમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.આ વર્ષે પહેલીવાર કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટ્યા છે. જાન્યુઆરી ૨૦૨૬માં દિલ્હીમાં તેનો ભાવ ૧૬૯૧.૫૦ રૂપિયા હતો, જે જૂનમાં વધીને લગભગ બમણો થઈ ગયો. માર્ચ ૨૦૨૬માં બે વાર તેના ભાવ વધ્યા. ૧ માર્ચે કોમર્શિયલ સિલિન્ડર ૨૮ રૂપિયા તો ૭ માર્ચે ૧૧૪.૫૦ રૂપિયા મોંઘો થઈ ગયો. મે મહિનામાં તેના ભાવમાં ૯૯૩ રૂપિયાનો મોટો વધારો થયો અને દિલ્હીમાં કિમત સીધી ૩૦૭૧.૫૦ રૂપિયા પર પહોંચી ગઈ. ૧ જૂને તે ૪૨ રૂપિયા મોંઘો થઈ ગયો. ૧ જુલાઈના રોજ મોટી રાહત મળી, લાંબી રાહ જાેયા પછી, સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો. ૧ જુલાઈની વહેલી સવારે, તેલ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં રૂ.૧૮૩.૫૦નો ઘટાડો કરીને જનતાને રાહત આપી.
૫ કિલોગ્રામના LPG સિલિન્ડર પણ સસ્તા થયા
પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થતાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. તેની અસર હવે ભારતમાં પણ જાેવા મળી રહી છે. જુલાઈના પહેલા દિવસે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારી માલિકીની તેલ કંપનીઓએ ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને ૫ કિલોગ્રામના નાના સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે.