લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુલાઈ 2026 |
3366
મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા નવા ‘યુઝરનેમ‘ ફીચરને લઈને કેન્દ્ર સરકાર ચિંતામાં મુકાઈ છે. યુઝર્સ હવે તેમના ફોન નંબર છુપાવીને માત્ર યુઝરનેમ દ્વારા એકબીજા સાથે જાેડાઈ શકશે, પરંતુ આ નવી સુવિધા પર ભારતીય સુરક્ષા એજન્સીઓ અને ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. સરકારનું માનવું છે કે આ ફીચરનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો સરકારી એજન્સીઓ, બેંકો કે જાણીતી હસ્તીઓના નામનું ખોટું ‘યુઝરનેમ‘ બનાવી લોકો સાથે છેતરપિંડી કરી શકે છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંત્રાલયે મેટાને નોટિસ ફટકારી છે અને ત્રણ દિવસની અંદર આ ફીચર અંગે વિગતવાર ખુલાસો રજૂ કરવા આદેશ આપ્યો છે. સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, કોઈ પણ ડિજિટલ સિસ્ટમમાં જ્યારે યુઝર પોતાની ઓળખ છુપાવે છે, ત્યારે તેને ટ્રેસ કરવું તપાસ એજન્સીઓ માટે મુશ્કેલ બની જાય છે. અધિકારીએ કહ્યું, “જાે કોઈ વ્યક્તિ વિદેશમાંથી યુએસના નંબરનો ઉપયોગ કરીને કોઈ વરિષ્ઠ અધિકારી કે જાણીતી વ્યક્તિનો ફોટો અને તેના જેવું જ યુઝરનેમ રાખીને છેતરપિંડી કરે, તો તેને પકડવી લગભગ અશક્ય છે.” આ પ્રકારની ઘટનાઓ વધવાની આશંકા વચ્ચે સરકારે ચેતવણી આપી છે કે વોટ્સએપનું આર્કિટેક્ચર એવું હોવું જાેઈએ કે તેનો દુરુપયોગ ન થઈ શકે. જાે પ્લેટફોર્મ સુરક્ષામાં છીંડાં પાડશે, તો તેની સામે ટેલિગ્રામ જેવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ, વોટ્સએપના પ્રવક્તાએ આ ફીચરનો બચાવ કરતા જણાવ્યું છે કે આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝર્સની પ્રાઈવસી વધારવાનો છે. કંપનીના દાવા મુજબ, તેમણે પહેલેથી જ ઘણી સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવી છે. જેમાં હાઈ-પ્રોફાઈલ યુઝરનેમ્સ (જેમ કે સરકારી એજન્સીઓ કે હસ્તીઓના નામ) રિઝર્વ રાખવા, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ઓટોમેટેડ સિસ્ટમ અને યુઝરનેમ દ્વારા મેસેજિંગમાં મર્યાદાઓ નક્કી કરવા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.