અમદાવાદ-

ગાંધીનગર સરગાસણ ખાતે રહેતા સોનલબેન આસોડિયા અને તેમના પતિ અપૂર્વભાઈ આસોડિયા ની પુત્રી ફ્લોરા જે ધોરણ 7માં અભ્યાસ કરે છે. ભણવામાં ખૂબ જ હોશિયાર બાળકીને જિંદગીમાં કલેક્ટર બનવું હતું પરંતુ અચાનક તેને બ્રેન ટ્યુમરની બીમારી આવી પડતાં માતા અને પિતા બંને નાસીપાસ થઈ ગયા. ફ્લોરાને તેની જિંદગીમાં ભણીગણીને કલેક્ટર બનવું હતું. મેક અ વિશ ફાઉન્ડેશને આ બાબતની જાણ થતાં તમને આ બાબત કલેક્ટર સામે મૂકી હતી અને આજે ફ્લોરા એક દિવસની કલેક્ટર બની અને તેની જિંદગીની આ સપનું પૂર્ણ કર્યું હતું.


આ વિશે વાત કરતાં જીલ્લા કલેકટર સંદીપ સાગલે એ જણાવ્યુ હતું કે ફ્લોરા ને કલેક્ટર બનવું છે તેની જાણ મને થતાં જ મે તરત જ વહીવટી વિભાગના અધિકારીઓને તેમના ઘરે મોકલ્યા હતા અને તેમના પરિવારને કહ્યું હતું કે ફ્લોરાને અહી લાવવામાં આવે પરંતુ તેની બીમારીના કારણે તેમણે સંકોચ થતો હતો. આજે ફ્લોરાને તેના ઘરે થી કલેકટરની ગાડીમાં લાવવામાં આવી હતી અને ગેટ આગળ તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સાથે સાથે કલેકટરની ખુરશી પર પર તેને બેસાડવામાં આવી હતી.ફ્લોરા સાથે તેનો સમગ્ર પરિવાર પણ અહી હાજર રહ્યો હતો. પોતાની દીકરીને એક દિવસની કલેક્ટર બનતા માતા અને પિતા બંને ભાવુક થઈ ગયા હતા.

ફ્લોરના માતા સોનલબેન એ જણાવ્યુ હતું કે ફ્લોરા નાનપણથી જ ખૂબ જ ભણવામાં હોશિયાર હતી. અચાનક તે બીમાર રહેવા લાગી અમે જ્યારે તેને ડોકટરની ટ્રીટમેન્ટ કરવી ત્યારે અમને જાણ થઈ કે ફ્લોરાને બ્રેન ટ્યુમર છે. અમારી જિંદગીમાં આભ તૂટી પડ્યું હતું. હાલમાં ફ્લોરાની સારવાર ચાલી રહી છે અને તેને એક દિવસ મોટા થઈ ને કલેક્ટર બનવું હતું તે સપનું આજે કલેક્ટર સાહેબ એ પૂરું કર્યું છે તે માટે તેમનો અને સમગ્ર વહીવટી વિભાગનો આભાર છે.