વડોદરા, તા.૧૯ 

શહેરના જુદા જુદા બે વિસ્તારોમાં ક્રાઈમ બ્રાન્ચ અને બાપોદ પોલીસે જુગારધામ ઉપર દરોડા પાડી ૧૧ જુગારિયાઓને ઝડપી પાડી ૯૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જુગારના પ્રથમ બનાવમાં બાવામાનપુરા નૂરાની મસ્જિદ સામે આટાવાળાની ગલીમાં મોટાપાયે જુગારધામની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળતાં પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડવા માટે સંવેદનશીલ બાવામાનપુરા ખાતે પહોંચી હતી. જ્યાં જુગાર રમતા ૧૧ જુગારિયાઓને રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત ઝડપી પાડયા હતા. ક્રાઈમ બ્રાન્ચે અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ શેખ, જાવેદ ઉર્ફે ટાલ મલેક, સલમાન ઉર્ફે સ્માર્ટી, મહેશ તિવારી, કાસીમ દૂધવાલા, ઈતમુદ્દીન ઉર્ફે ઈલ્લા શેખ, ઈમરાન શેખ, મુસ્તાક દિવાનને રોકડા રૂપિયા ૬૬,૯૪૦ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂા.૮૧,૯૪૦નો મુદ્‌ામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જુગારના બીજા બનાવમાં બાપોદ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન કિશનવાડી વુડાના મકાન પાસે કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડો પાડતાં ત્રણ ઈસમો કિરણ વિનોદ ચૌહાણ, વિજય જગદીશ પંચાલ, સંજય સતીષ પરમારને પત્તા-પાનાનો જુગાર રમતા રોકડા રૂા. ૧૨,૮૦૦, અંગઝડતીના રૂા.૭૫૮૦ સાથે ઝડપી પાડયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.