વડોદરા : શહેર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં પાડોશમાં રહેતા અને ધો. ૯માં અભ્યાસ કરતા ટીનએજર્સ પ્રેમીપંખીડા પાંચ દિવસ અગાઉ ફરાર થઈ જતી તેઓને શોધવા માટે પરિવારજનોમાં દોડધામ મચી છે. જાેકે ભારે શોધખોળ બાદ પણ તેઓનો કોઈ પત્તો નહી લાગતા આખરે આ બનાવની સગીરાના પિતાએ છાણી પોલીસ મથકમાં સગીર વયના કિશોર વિરુધ્ધ પોતાની પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.  

પ્રાપ્ત વિગતો મુજબ શહેર નજીક ગ્રામ્ય વિસ્તારમાં સાધનસંપન્ન પટેલ પરિવારના ૧૪ વર્ષનો પુત્ર જશ (નામ બદલ્યુ છે) હાલમાં ધો. ૯માં અભ્યાસ કરે છે. તેને તેના જ પાડોશમાં રહેતી અને અન્ય શાળામાં ધો.૯માં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય વિદ્યાર્થિની નેહા (નામ બદલ્યુ છે) સાથે મોબાઈલ ફોનમાં સોશ્યલ મિડિયા મારફત પ્રેમસંબંધ બંધાયા હતા. આ અંગે નેહાના ઘરે જાણ થતાં પરિવારજનોએ નેહાને ઠપકો આપ્યો હતો તેમજ હવેથી માત્ર અભ્યાસમાં ધ્યાન રાખી તેમજ જશ સાથે બોલવાનું બંધ કરવાની સુચના આપી હતી તેમજ કામ વિના બહાર જવા પર પણ રોક લગાવી હતી. જાેકે ટીનએજર્સ પ્રેમીપંખીડા મળી નહી શકતા તેઓ વ્યાકુળ બન્યા હતા અને તેઓએ ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.

જશે તેની પાડોશી નેહાને ગત ૨૮મી તારીખના સવારે તેણે કોઈ પણ રીતે ઘરની બહાર આવી જવાનો મેસેજ મોકલાવ્યો હતો અને નેહા ઘરેથી બહાર નીકળતા જ તેઓ બંને જણા અજાણ્યા સ્થળે ફરાર થયા હતા. નેહાને પાડોશમાં રહેતો જશ પોતાની સાથે ભગાડી ગયો હોવાની જાણ થતાં બંનેના પરિવારજનોમાં દોડધામ મચી હતી. આ બનાવની વાયુવેગે વાત ફેલાતા ટીનએજર્સ પ્રેમીપંખીડાનો કિસ્સો ગામમાં ચર્ચાના એરણે ચઢ્યો હતો. જાેકે ભારે શોધખોળ બાદ પણ નેહા કે જશનો કોઈ પત્તો નહી લાગતા આ બનાવની નેહાના પિતાએ છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલમાં સગીર વયના જશ વિરુધ્ધ નેહાના અપહરણનો ગુનો નોંધી ટીનએજર્સ પ્રેમીપંખીડાની શોધખોળ હાથ ધરી છે.

જશ ઘરેથી ૨૫ હજાર અને મોબાઈલ લઈ ગયો છે

આ બનાવની છાણી પોલીસ મથકના પીઆઈ આર એસ ડોડિયાએ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી કે જશ ભાગતા અગાઉ તેના ઘરેથી આશરે ૨૫ હજાર રૂપિયા અને પોતાનો મોબાઈલ ફોન પણ પોતાની સાથે લઈ ગયો છે. જાેકે ભાગ્યા બાદ તેણે તેનો મોબાઈલ ફોન સ્વીચઓફ કરી દીધો છે જેથી ટીનએજર્સ પ્રેમીપંખીડાનું ચોક્કસ લોકેશન મળતું નથી અને આ અંગેની જિલ્લા પોલીસને પણ જાણ કરાઈ છે.