૭૭ કરોડના સાયબર ફ્રોડમાં ૧૬ ઝડપાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, એપ્રીલ 2026  |   2475

ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (સાયબર ક્રાઈમ સેલ)ને રાજ્યમાં ચાલી રહેલા સાયબર ફ્રોડના દેશવ્યાપી એક વિશાળ નેટવર્કને તોડી પાડવામાં મોટી સફળતા મળી છે. કુલ ૩૫૦થી વધુ ફરિયાદોની તપાસ બાદ પોલીસ દ્વારા ૧૬ આરોપીને ઝડપીને રૂ. ૭૭ કરોડના જંગી સાયબર ફ્રોડ કાંડનો પર્દાફાશ કરાયો છે. આ ગેંગ ખાસ કરીને મ્યુલ એકાઉન્ટ્સ (ભાડાના ખાતા) એકત્રિત કરી લોકો સાથે ડિજિટલ અરેસ્ટ અને ગેમિંગ ફ્રોડ દ્વારા ઠગાઈ આચરતી હતી. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી વિવેક ભેડાના માર્ગદર્શન હેઠળ ત્રણ ટીમોએ ગુજરાત અને ગોવામાં દરોડા પાડીને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (સાયબર ક્રાઇમ પોલીસ) દ્વારા આ ઓપરેશન પાર પાડવા માટે વ્યૂહાત્મક રીતે જુદી જુદી ત્રણ ટીમો બનાવી હતી. આ ટીમો દ્વારા વડોદરા, પાલનપુર અને ગોવા એમ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન કુલ ૧૬ આરોપીઓની ધરપકડ કરાઈ છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમની તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગના સભ્યો ગોવા બેસીને મ્યુલ એકાઉન્ટ્સ ઓપરેટ કરતા હતા. જેથી પોલીસની પકડથી બચી શકાય. આ સમગ્ર સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર જીતુ ઠક્કર હોવાનું સામે આવ્યું છે, જેની પોલીસે ધરપકડ કરી લીધી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા વડોદરાથી મહેશ જાેશી, જીગર સોલંકી અને પ્રકાશ જાેશીને તો પાલનપુરથી મેહુલ સોલંકી અને મિત રતિભાઈ શ્રીમાળીને ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસ મુજબ, આ ટોળકી દ્વારા સમગ્ર દેશમાં અંદાજે ૩૭૫ જેટલા સાયબર ક્રાઇમ આચરી કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાનું અનુમાન છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમના દરોડા દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી ટેકનોલોજી અને બેંકિંગ ક્ષેત્રના પુરાવાનો મોટો જથ્થો મળી આવ્યો છે. જપ્ત કરાયેલા સાધનોમાં ૧૫ લેપટોપ, ૮૭ મોબાઈલ ફોન, ૧૧૫ ડેબિટ કાર્ડ, ૮૨ પાસબુક, ૧૫ ચેકબુક, ૨ પેન ડ્રાઈવ અને ૨ રાઉટર જેવા સાધનોનો ઉપયોગ ગુનાખોરીમાં કરાતો હતો, જેને પોલીસે કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપશે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત અત્યાધુનિક હતી. તેઓ નિર્દોષ લોકોને ‘ડિજિટલ અરેસ્ટ’ની ધમકી આપીને અથવા ઓનલાઇન ગેમિંગના બહાને નાણાં પડાવતા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution