પૂર્વ મેયરના દીકરા સાથે લગ્ન ગોઠવી આપવાનું કહી ઘાંચી શેરીની મહિલા પાસે ૧૭ લાખ પડાવી લેવાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુલાઈ 2026  |   1881

પૂર્વ મેયર નવનીત જરીવાલાનાં દિકરા સાથે તમારી દીકરીનું લગ્ન ગોઠવી આપીશ એવી વાતમાં ઘાંચીશેરીની મહિલાને ફસાવી ૧૭ લાખ રૂપિયા પડાવી લેવાયાનો ચોંકાવનારો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. મળતી માહિતી અનુસાર બેગમપુરા ઘાંચી શેરીમાં રાજેશ હસમુખભાઈ રાણા તેમના પરિવાર સાથે રહે છે. રાજેશ સગરામપુરા તથા તેમના પત્ની શારદાબેન અંબાનગર, સોમનાથ સોસાયટીમાં આવેલા જરીનાં કારખાનામાં કામ કરે છે. તેમના સંતાનોમાં બે દિકરા તથા એક દીકરી છે. ચારેક વર્ષ અગાઉ બસમાં આવ-જા કરતી વેળા તેણીને બેગમપુરા રાણા શેરીમાં રહેતા ચંદ્રેશ સુરેશભાઇ રાણા સાથે મુલાકાત થઇ હતી.

સમાજનાં હોવાથી શારદાબેન અને ચંદ્રેશ વચ્ચે પરિવારની વાત થઈ થતી હતી. જેમાં તેણીએ તેમની મોટી દીકરી કામિની લગ્ન લાયક હોવાની વાત કરી હતી. સાથે જ તેણીએ સારો છોકરો હોય તો બતાવજાે એમ પણ કહ્યું હતું. દરમિયાન ફેબ્રૂઆરી ૨૦૨૨માં ચંદ્રેશ રાણાએ તેણીને જણાવ્યું હતું કે, એક છોકરો મારા ધ્યાનમાં આવ્યો છે જેનું નામ નૈમેષ છે. જે બોમ્બે ખાતે રહે છે અને તેના પિતા સુરતના એક્સ મેયર હતા.

સારુ ઘર હોવાની વાત સાંભળી શારદાબેને લગ્નની વાત કરવા કહ્યું હતું. થોડા દિવસ બાદ ચંદ્રેશે છોકરાનાં પિતા સાથે મારી વાત થઇ ગઇ છે, તમારી છોકરીનો ફોટા પણ મે તેમને બતાવ્યા છે. છોકરા અને તેના પિતા એમ બંનેને કામિની પસંદ પડી છે એમ પણ ચંદ્રેશે જણાવ્યું હતું. બાદમાં તેણે છોકરો હાલ મુંબઈ મુકામે ઉચ્ચ અભ્યાસ કરે છે, દોઢેક વર્ષમાં પુર્ણ થઇ જાય પછી લગ્ન કરાવી દઇશું તેમ કહી ચંદ્રેશે નૈમેષ નામના છોકરાનો મોબાઇલ નંબર પણ આપ્યો હતો. ત્યારબાદ કામિની એ નંબર પર કોલ કરી નૈમેષ સાથે વાતચીત કરતી રહી હતી. તેણી મળવાનું કહેતી તો સામેથી વાત કરનાર ટાળતો હતો. મારા બનેવી મનિષકુમારને કેન્સર થયું હોય હોસ્પિટલની દોડધામ છે, કોલેજનું ફાઇનલ યર છે, વિગેરે બહાના કહી તે હાલ મળી શકાય એમ નથી એવું કહેતો હતો.

ત્યારબાદ નૈમેષ અવાર નવાર શારદાબેનને પણ કોલ કરતો હતો. તે મારા બનેવી માટે મેડીસીન, ઇન્જેક્શન વિગેરે સુરતથી મગાવવાના છે એમ કહી ચંદ્રેશને પૈસા અપાવતો રહ્યો હતો. મે ૨૦૨૨થી ૨૦૨૫ સુધીમાં નૈમેષનાં કહેવાથી ૧૪ લાખ રૂપિયા ચંદ્રેશ રાણાને અપાયા હતાં. ત્યારબાદ શારદાબેનને અજાણ્યાએ કોલ કરી નવનીત જરીવાલા બોલું છું તેમ કહી ચંદ્રેશને મારા જમાઇની દવા માટે રૂપિયા આપો એવું જણાવ્યું હતું. જાે કે શારદાબેને હવે મારી પાસે રૂપિયા નથી, તમે સુરત આવો અને લગ્ન પાકા કરો તેમ કહ્યું હતું. નવનીત જરીવાલા તરીકે વાત કરનારે લગ્ન પાકા જ છે, પરંતુ જમાઇની સારવાર જરૂરી હોય પૈસા આપો એમ કહેતાં શારદાબેને ચન્દ્રેશને ૨૦ ગ્રામ સોનાની ચેઇન, ૧૧ ગ્રામનુ લોકેટ, બે ગ્રામની સોનાની બુટ્ટી મળી ત્રણ લાખની ઘરેણાં આપ્યા હતા. થોડા સમય બાદ ચંદ્રેશ અને નવનીત જરીવાલા તરીકે ઓળખ આપનારે શારદાબેનના કોલ રીસીવ કરવાના બંધ કરી દીધા હતાં. જેથી શારદાબેને આ ચંદ્રેશ રાણા સામે મહિધરપુરા પોલીસ મથકમાં ૧૭ લાખના ફ્રોડ અંગે ફરિયાદ નોંધાવી હતી.

ચંદ્રેશ રાણા જ પૂર્વ મેયર જરીવાલા અને તેમના દિકરાનાં નામે વાત કરતો હતો

૧૪ લાખ રોકડા અને ૦૩ લાખનાં દાગીના આપવા છતાં લગ્નની વાત આગળ વધી ન હતી. ચંદ્રેશ, નવનીત જરીવાળા અને નૈમેષે ફોન ઉપાડવાનું બંધ કરતાં શારદાબેન ચિંતામાં મૂકાયા હતાં. તેઓ ૧૩ માર્ચ ૨૦૨૫નાં રોજ ચંદ્રેશના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં તેઓ વચ્ચે માથાકૂટ થઇ હતી. ત્યારબાદ ચંદ્રેશ રાણાએ હુ ઝેર પીને મરી જઈશ અને તમને બદનામ કરીશ એવી ધમકી આપતાં શારદાબેને મહિધરપુરા પોલીસ મથકમાં અરજી આપી હતી. જેની તપાસ દરમિયાન ચંદ્રેશે હું જ નવનીત જરીવાળા અને નૈમેષ તરીકે અલગ અલગ નંબરથી વાત કરતો હતો એવી કબુલાત કરી હતી. સાથે જ તેણે શારદાબેનનાં દાગીના મુથુટ ફાયનાન્સમાં ગીરવે મુકી લોન લીધી હોવાનું જણાવી તે છોડાવી આપવા બાંહેધરી આપી હતી. શારદાબેને એની વાતમાં ભરોસો મૂક્યો પરંતું ચંદ્રેશે દાગીના અને રોકડ પરત કર્યા ન હતાં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution