અમદાવાદ-

ગોમતીપુરમાં ૧૭ વર્ષીય કિશોરી ઈન્સ્ટાગ્રામ પર એક યુવકના સંપર્કમાં આવી હતી અને પ્રેમમાં પડી હતી. બાદમાં યુવકે લગ્નની લાલચ આપીને કિશોરી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે ગોમતીપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. સોશિયલ મીડિયા પર બાળકો કેવા દુષણનો શિકાર થઇ જાય તે અંગે માતા-પિતા અને વાલીઓને ચેતવનારા આ કિસ્સાની વિગત એવી છે કે ગોમતીપુરમાં રહેતી ૧૭ વર્ષીય કિશોરી ઈસ્ટાગ્રામ મારફતે એક યુવકના સંપર્કમાં આવી હતી. બાદમાં બંન્ને એક બીજા સાથે ઈસ્ટાગ્રામ મારફતે વાતો કરવા લાગ્યા હતા. રોજ બરોજની વાતો થતા એક બીજાને નંબરની આપલે કરી હતી અને બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

આ યુવક તેની સાથે લગ્ન કરશે તેવી કિશોરીને આશા હતી. તેથી તે યુવક સાથે બહાર પણ મળવા લાગી હતી. એક દિવસ કિશોરીને મળવા બોલાવીને યુવકે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. પછી તો યુવક લગ્નની લાલચ આપી અવાર નવાર મળવા બોલાવીને દુષ્કર્મ ગુજારતો હતો. એક દિવસ કિશોરીએ લગ્ન કરવાની વાત કરી ત્યારે આ યુવકે ધાકધમકી આપીને કિશોરી સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જેથી કિશોરી ઘરમાં ગુમસુમ રહેવા લાગી અને એકલી રડતી હતી. દરમિયાન કિશોરીની માતાએ આ અંગે પુછપરછ કરી ત્યારે ઘટના બહાર આવી હતી. આ અંગે પોલીસે યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.