૧ એપ્રિલથી જાતિ, આવક સહિતના ૧૮ પ્રમાણપત્ર ઓનલાઈન મળશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, ફેબ્રુઆરી 2026  |   1188

ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા લાખો પરિવારોને સીધો ફાયદો મળે તેવો એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને જાતિ અને આવકના દાખલા સહિતના ૧૮ જેટલા પ્રમાણપત્રો હવે ઓનલાઇન મળી શકશે તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે. રાજયમાં શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થતાંની સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને જાતિ અને આવકના દાખલા સહિત વિવિધ ૧૮ જેટલા પ્રમાણપત્રોની જરૂરિયાત પડતી હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓએ આવક અને જાતિના દાખલા સહિતના વિવિધ પ્રમાણપત્રો માટે વિવિધ સરકારી કચેરીઓની દોડધામ કરવી પડતી હોય છે. જેના કારણે આવી સરકારી કચેરીઓમાં જાતિ અને આવકના દાખલા સહિતના વિવિધ પ્રમાણપત્રો મેળવવા માટે લાંબી લાઈનો લગતી હતી. નિયત સમયમાં આવા પ્રમાણપત્રો વિદ્યાર્થીઓ અને વાલીઓને સમયસર ન મળવાના કારણે વિદ્યાર્થીઓના પ્રવેશ ઉપર પ્રશ્નાર્થ પણ મુકાઇ હતો અને વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો હતો. આ તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અધિકારીઓને સૂચના આપી છે કે, આ સમગ્ર કામગીરી કેવી રીતે ઓનલાઈન અને ફેસલેસ બને તે સુનિશ્ચિત કરવામાં આવે. આ કામગીરી ઓનલાઈન થાય તો રાજ્યના અંદાજિત ૭૫ થી ૮૦ લાખ પરિવારોને આ સુવિધાનો સીધો ફાયદો થશે અને તેમણે વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે અને કચેરીઓમાં લાંબી લાઈનો પણ નહીં લાગે. જેના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૧ એપ્રિલથી રાજયમાં જાતિ અને આવક દાખલા સહિત વિવિધ યોજનાઓ માટે જરૂરી એવા ૧૮ પ્રકારના પ્રમાણપત્રો ઓનલાઈન મળતા શરૂ થઈ જશે તેવી માહિતી રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ આપી હતી.


આ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલી શરૂ કરાશે


ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન” ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી. જેના અંતર્ગત આ સુજલામ સુફલામ અભિયાન આગામી તા. ૨૧ ફેબ્રુઆરીથી રાજયમાં શરૂ કરવામાં આવશે તેમ સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણીને બચાવવા અને તેના સંગ્રહ માટે અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે. જેના અંતર્ગત મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૮ વર્ષથી જળ સંગ્રહની કામગીરી કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગોના સંકલનથી દર વર્ષે “સુજલામ સુફલામ જળ અભિયાન” હાથ ધરવામાં આવે છે. આ અભિયાન હેઠળ વરસાદ વહેલો આવે તો તે પહેલા પાણીનો સંગ્રહ થાય તે માટે તળાવો ઊંડા કરવાની કામગીરીની દર વર્ષ કરતાં આ વર્ષે વહેલી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આગામી તા. ૩ માર્ચના રોજ રોજ હોળીનું પર્વ છે, જેથી શ્રમિકો તહેવારને લઈને વતન જતાં હોવાથી કામગીરીમાં વિલંબ ન થાય તે માટે પણ આ અભિયાન વહેલા શરૂ કરવાનો ર્નિણય લેવાયો છે.


કિસાન પોર્ટલમાં ખેડૂત નોંધણીના મામલે ગુજરાત દેશમાં ચોથા સ્થાને


ભારત સરકારના ડિજિટલ એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ (ખેડૂત નોંધણી કાર્યક્રમ) અંતર્ગત પી.એમ.કિસાનમાં ૮૮ ટકા ખેડૂતોના કેવાયસી અને જમીનોના લેન્ડ રેકોર્ડ્સ તેમજ રજિસ્ટ્રેશન (નોંધણી) ની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલમાં ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીને ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે તેમ ખેડૂત નોંધણી અંતર્ગત પી.એમ. કિસાન પોર્ટલ અંગે માહિતી આપતા સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૫૯ લાખ લાભાર્થીઓએ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી છે. જેના પરિણામે ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ રૂ.૨૦૬ કરોડની સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ પણ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution