વડોદરા - શહેરના જુદા જુદા સ્થળોએ ચાલી રહેલા શ્રાવણીયા જુગાર પર પોલીસે દરોડા પાડીને કુલ ૧૮ લોકોની દોઢ લાખથી વધુ મત્તા સાથે ધરપકડ કરી છે. 

પ્રથમ બનાવની વિગતો મુજબ, સનફાર્મા રોડ પર આવેલ શ્રીમસૃષ્ટિ ફ્લેટના શિવાલિક ટાવરમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા જે.પી.રોડ પોલીસ તપાસ કરવા પહોંચી હતી. ઘરમાં જઈને તપાસ કરતા ૮ લોકો જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. તેઓના નામઠામ પૂછતાં જીગ્નેશ રતિલાલ પટેલ, શ્રેયસ પરસોત્તમ પ્રજાપતિ, ઈશ્વર ધનજી પટેલ, જયેશ મફતલાલ પટેલ, હાર્દિક જયેશ પટેલ, રિન્કેશ જયંતિ પટેલ, ઝાકીર કાલૂભાઇ ખોખર અને મહેશ મોહન પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ તમામ પાસેથી રોકડા ૧૭,૬૦૦ અને ૬ મોબાઈલફોન મળીને કુલ ૫૪,૬૦૦ની મત્તા કબજે કરી હતી. બીજા બનાવમાં, પાણીગેટ પોલીસને કિશનવાડી જય અંબે ફળીયા પાછળના મેલડીમાતાના મંદિર પાસે કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમી મળતા ટીમ તપાસ માટે પહોંચી હતી. જ્યાથી ૫૮૫૦ના મુદ્દામાલ સાથે કુલ ૬ લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. ત્રીજા બનાવમાં, ક્રાઇમબ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમ ડભોઇ રોડ પર આવેલ હરિ સાંઈ ફ્લેટના પાંચમા માળે તપાસ કરવા પહોંચી હતી. જ્યા રહેતા અને જુગાર ચલાવતા રોહિત રમણલાલ વાળા, પ્રશાંત મહેન્દ્ર શેરે, નીરજ ઉર્ફે પિન્ટુ કિરીટકુમાર શાહ અને હેમંત રમેશ પટેલને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ પાસેથી ૧૬,૬૦૦ રોકડા, ૪ મોબાઈલ ફોન અને બે મોપેડ મળીને કુલ ૧,૧૨,૬૬૦ની મત્તા કબજે કરી હતી.