11, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
5346 |
નવા ફ્લેટ ગ્રીન ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બાબા ખરક સિંહ માર્ગ પર સાંસદો માટે બનાવવામાં આવેલા 184 નવા ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું. આ તમામફ્લેટ ટાઇપ-7 બહુમાળી એપાર્ટમેન્ટ છે. આ પ્રસંગે પીએમ મોદીએ 'સિંદૂર'નો છોડ વાવીને વૃક્ષારોપણ કર્યું. આ ઉપરાંત, તેમણે શ્રમજીવીઓની સાથે મુલાકાત પણ કરી હતી.
ઉદ્ઘાટન દરમિયાન, પીએમએ કહ્યું - આ ચાર ટાવર્સને ખૂબ જ સુંદર નામ આપવામાં આવ્યા છે, કૃષ્ણા, ગોદાવરી, કોસી અને હુગલી, જે ભારતની ચાર મહાન નદીઓનું પ્રતિનિધિત્વ કરે છે જે લાખો લોકોને જીવન આપે છે. સાંસદો માટે રહેઠાણની અછત હોવાથી આ નવા ફ્લેટ બનાવવામાં આવ્યા હતા. મર્યાદિત જમીનને કારણે, અહીં બહુમાળી ઇમારતો બનાવવામાં આવી હતી, જેથી જગ્યાનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય અને જાળવણી ખર્ચ ઘટાડી શકાય.
દરેક ફ્લેટનો કાર્પેટ એરિયા લગભગ 5 હજાર ચોરસ ફૂટ છે, જેમાં સાંસદોના રહેવા ઉપરાંત, તેમની ઓફિસો, સ્ટાફ રૂમ અને કોમ્યુનિટી સેન્ટરની સુવિધાઓ પણ છે. બધી ઇમારતો ભૂકંપ પ્રતિરોધક છે અને સુરક્ષા માટે મજબૂત વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉદ્ઘાટન પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો અને ઉર્જા મંત્રી મનોહર લાલ, કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુ, હાઉસિંગ સમિતિ (લોકસભા)ના અધ્યક્ષ ડૉ. મહેશ શર્મા, સંસદસભ્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.