RBI ગવર્નરના કાર્યકાળમાં નોટબંધી થઈ હતી તેમને હવે IMFમાં મોટી જવાબદારી સોંપાઈ
29, ઓગ્સ્ટ 2025 નવી દિલ્હી   |   4356   |  

ઉર્જિત પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું

કેન્દ્ર સરકારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલને 3 વર્ષ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે IMFમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્તિને મંજૂરી આપી છે. ડૉ. ઉર્જિત પટેલે વર્ષ 2016માં રઘુરામ રાજન પછી RBIના 24મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન સરકારે નોટબંધી જેવો મોટો નિર્ણય લીધો હતો.

સૂત્રો મુજબ વર્ષ 2018માં ડૉ. ઉર્જિત પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું, જેના કારણે તે પહેલા ગવર્નર બન્યા જેમણે વ્યક્તિગત કારણોસર આરબીઆઇ ગવર્નરનું પદ છોડ્યું અને 1992 પછી સૌથી ટૂંકા કાર્યકાળ માટે આરબીઆઇ ગવર્નર રહ્યા હતા. ડૉ. ઉર્જિત પટેલના રિપોર્ટના આધારે સરકારે નોટબંધીનો નિર્ણય લીધો હતો.

ડૉ. ઉર્જિત પટેલના કાર્યકાળ દરમિયાન નોટબંધી ઉપરાંત અન્ય એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે આરબીઆઇના મોંઘવારી દરની મર્યાદા નક્કી કરી હતી. જેના હેઠળ મોંઘવારી દર 4 ટકાની મર્યાદાથી નીચે હોવો જોઈએ અથવા તેને જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. ડૉ. ઉર્જિત પટેલે આ અંગે એક વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો હતો, ત્યારબાદ 4 ટકા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ને મોંઘવારી દરના લક્ષ્ય તરીકે અપનાવવામાં આવ્યું હતું.

આરબીઆઇ ગવર્નર બનતાં પહેલાં ડૉ. ઉર્જિત પટેલ સેન્ટ્રલ બૅન્કમાં ડેપ્યુટી ગવર્નર તરીકે સેવા આપી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution