વડોદરામાં દૂધવાલા મહોલ્લા નજીક બે વાહનોની ટક્કરે મામલો બીચક્યો
29, ઓગ્સ્ટ 2025 વડોદરા   |   2871   |  

શહેરમાં ફરી તંગદિલી , વાતાવરણ ડહોળવાનો પ્રયાસ

ગાડીના હોર્ન વગાડવાને મામલે બબાલ, ટોળા સામસામે આવી ગયા, ત્રણની અટકાયત

ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ફરી એકવાર શાંતિ ભંગ થવાનો પ્રયાસ થયો છે. શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા ભગતસિંહ ચોક નજીક દુધવાલા મોહલ્લામાં ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગ્યે ગાડીના હોર્ન વગાડવાની નજીવી બાબતે બે કોમના લોકો આમને-સામને આવી ગયા હતા. જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતુ. અને લોકટોળાં એકઠાં થયાં હતાં.જોકે, પોલીસે તુરંત ધટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.

 રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે બનેલી આ ધટનાની મળતી વિગતો મુજબ ન્યાય મંદિર ભગતસિંહ ચોક પાસે દુધવાલા મોહલ્લામાં ગાડીના હોર્ન વગાડવા બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ટૂંક સમયમાં ઝઘડામાં પરિવર્તિત થઈ ગઈ હતી.અને લોકોના ટોળા ભેગા થઈ ગયાં હતા. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસની ટીમ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ બનાવ સંદર્ભે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળે છે.

જોકે, હોર્ન વગાડવાની સાથે વાહનને ટક્કરની ધટનાને પગલે લોકટોળાં એકઠાં થતાં વાતાવરણ વધુ ગરમાયું હતું. પોલીસે ત્વરીત સ્થિતિને કાબૂમાં લીધી હતી.



© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution