29, ઓગ્સ્ટ 2025
ભુજ |
3267 |
ઈજાગ્રસ્ત થયેલ યુવક સારવાર હેઠળ
ભુજમાં આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં ગુરુવારે અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિની અને 22 વર્ષીય યુવક પર છરી વડે હુમલો થયાની ધટના સામે આવી હતી. આ હુમલો કોલેજ સંકુલ બહાર ગેટ પાસે બની હતી. ઈજાગ્રસ્ત યુવક-યુવતીને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ આજે વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. પોલીસે ગાંધીધામના આરોપી મોહિત સિદ્ધપુરાને ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ પોલીસે તપાસ હાથ ધરી છે.
ભુજની સંસ્કાર સ્કુલ એન્ડ કોલેજના ગેટ બહાર ગુરુવારે વિદ્યાર્થિની અને એક યુવક પર છરી વડે હુમલો કરાયો હતો. આ મામલે કોલેજના સંચાલકે જણાવ્યું હતું કે, કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની આજે સાંજે શિક્ષણકાર્ય પૂરું થતાં કોલેજમાંથી નીકળીને હોસ્ટેલ તરફ જઈ રહી હતી. જ્યાં કોલેજના ગેટ પાસે વિદ્યાર્થિની પહોંચી ત્યારે અંજાર બાજુના રહેવાસી બે યુવકો ત્યાં આવ્યા હતા.
આ બંને યુવકો વિદ્યાર્થિનીને મળવા આવ્યા હતા અને ત્રણેય વાતચીત કરતાં હતા, દરમિયાન એક યુવકે વિદ્યાર્થિની અને સાથે રહેલા અન્ય એક યુવક પર છરી વડે હુમલો કરીને ફરાર થઈ ગયો હતો.
સમગ્ર ઘટના પગલે વિદ્યાર્થિનીના ગળાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે જયેશ જયંતિજી ઠાકોર નામના યુવકને પેટ સહિતના ભાગે ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.