આણંદ : રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડિઝલના વેચાણને નિયંત્રણમાં લેવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તદ્દઅનુસાર આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર આર.જી. ગોહિલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજીયનની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર વેચાણ થતાં બાયોડિઝલની તપાસ કરવામાં આવી રહી છે.  

જિલ્લા પૂરવઠા અધિકારી ગોપાલ બામણીયાના માર્ગદર્શન હેઠળ આણંદ તાલુકામાં વઘાસી અને સારસા ખાતે મામલતદાર આણંદ ગ્રામ્ય આર.બી. પરમાર તથા પીએસઆઇ એન.એમ. રામી અને તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં વઘાસી ખાતે સુરતની હાઇબ્રિડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના દિનેશભાઇ કાતરીયા દ્વારા બોલેરો પીકઅપવાનમાં પ્લાસ્ટિકની ટાંકીમાં ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ કરતાં હોવાની બાતમી મળી હતી. સ્થળ તપાસ કરતા અંડરગ્રાઉન્ડ ટાંકામાં ૨૦ હજાર લિટર બાયોડિઝલનો સંગ્રહ કરેલો હતો અને તેઓ દ્વારા સેફટી અંગેના ધારા ધોરણોનું પાલન કરતા ન હોવાનું તથા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાનું જણાઈ આવ્યું હતું.

તેમની પાસેથી રૂ.૧૩ લાખની કિંમતનો ૨૦ હજાર લિટર બાયોડિઝલનો જથ્થો, બાયોડિઝલ યુનિટ તેમજ અંદાજિત ૫ લાખ રૂપિયાની બોલેરો ગાડી જપ્ત કરી બાયોડિઝલનાં સેમ્પલ મેળવી એફએસએલમાં વધુ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યાં છે. આજ રીતે અન્ય એક કિસ્સામાં સારસા ખાતે શિવ બાયોડિઝલનાં સમીરભાઇ પંડિત દ્વારા ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ કરતાં હોવાની બાતમી મળતાં તેની પણ તપાસ કરવામાં આવી હતી. જ્યાં તેઓ દ્વારા સલામતી અંગેની ધારા ધોરણોનું પાલન કરવામાં આવતું ન હોઈ તથા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં હોવાથી શિવ બાયોડિઝલ સારસા ખાતેથી ૫,૧૭,૬૭૫ની કિંમતનો ૮૦૨૫ લિટર બાયોડિઝલનો જથ્થો સીઝ કરીને બાયોડિઝલ યુનિટને સીલ કરવામાં આવ્યું હતું. તેમજ અંદાજિત ૮ લાખની રૂપિયાની કિંમતની ટેન્કર પણ જપ્ત કરવામાં આવ્યું હતું. બાયોડિઝલનાં સેમ્પલ મેળવી વધુ પરિક્ષણ અર્થે એફએસએલ ખાતે મોકલવામાં આવેલ છે. આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા પૂરવઠા અધિકારી ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકારની સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતાં બાયોડિઝલનાં વેચાણની તપાસ હાલમાં કરવામાં આવી રહી છે, જેમાં જિલ્લા પૂરવઠા અધિકારીની કચેરીના પ્રતિનિધિ, મામલતદાર કચેરીના પ્રતિનિધિ, પોલીસ ઓઇલ માર્કેટિંગ કંપનીના પ્રતિનિધિ તથા જીએસટીના પ્રતિનિધિની ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. બાયોડિઝલનાં જથ્થાનાં સેમ્પલ એફએસએલ, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યાં છે. તેના રિપોર્ટમાં કોઇ વિસંગતતા જણાશે તો સબંધિત બાયોડિઝલ વેચાણ કરતા યુનિટ સામે સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આણંદ જિલ્લામાં કુલ ૧૬ જેટલા બાયોડિઝલ વેચાણ કરતા યુનિટની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૪ યુનિટમાંથી સેમ્પલ મેળવી વધુ પરિક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે.