હિમાચલમાં 15 દિવસમાં વાદળ ફાટવાની 19 ઘટના, મૃત્યુઆંક 80એ પહોંચ્યો
08, જુલાઈ 2025 ઉત્તરકાશી   |   2970   |  

વાદળ ફાટતા 30 લોકો ગૂમ, 250 જવાનો દ્વારા સર્ચ ઓપરેશન, ઉત્તરાખંડમાં નેશનલ હાઇવેનો પુલ ધોવાયો

આ વર્ષે ચોમાસાની ઋતુમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સ્થિતિ વધુ કફોડી બની ગઇ છે. ચોમાસુ શરૂ થયું ત્યારથી હિમાચલમાં અત્યાર સુધી ભુસ્ખલનની ૧૬, વાદળ ફાટવાની ૧૯ અને પૂરની ૨૩ ઘટનાઓમાં મૃત્યુઆંક ૮૦ સુધી પહોંચ્યો છે. મંગળવાર અને બુધવારે પણ પહાડી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં આ ચોમાસામાં સામાન્ય કરતા ૧૨૬ ટકા વધુ વરસાદ પડયો છે. ૧ જૂનથી ૭ જુલાઇ સુધી રાજ્યમાં ૧૮૩.૫ મીમી વરસાદ નોંધાયો છે. ઝારખંડમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, ઉત્તરાખંડમાં પણ હિમાચલ જેવીજ સ્થિતી છે. ઉત્તરાખંડમાં યમુનોત્રી તરફ જતા ઓજરી પાસે નેશનલ હાઇવેનો પુલ પાણીમાં ધોવાઇ ગયો હતો. જેને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. અહીંના ચામોલીમાં પ્રશાસન દ્વારા ભુસ્ખલનનું એલર્ટ જાહેર કરાયું હતું. નાગાલેન્ડમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે દિમાપુર એરપોર્ટ પર ફ્લાઇટો રદ કરવી પડી હતી, હિમાચલમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. જ્યારે મધ્ય પ્રદેશમાં રાજ્યના અડધા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. ચાર જિલ્લાઓમાં શાળાઓને બંધ રાખવામાં આવી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution