નડિયાદ, તા.૭ 

ખેડા જિલ્‍લા કક્ષાનો ૭૧મો વન મહોત્‍સવનો વિધાનસભાના મુખ્‍ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇના અધ્યક્ષ સ્‍થાને શુભારંભ કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમ શ્રી શક્કરીયા મહારાજના મંદિરની બાજુમા ગોઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમ કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્‍તપણે પાલન થાય તે રીતે યોજવામાં આવ્‍યો હતો.

મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, ખેડા જિલ્‍લામાં વધુને વધુ વૃક્ષો વાવીને હરિયાળો વિસ્તાર બનાવી દઈએ. વૃક્ષો માનવજીવન અને પર્યાવરણ માટે ખુબ જ ઉપયોગી છે. આ પ્રસંગે તેઓએ જણાવ્‍યું હતું કે, હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ખેડા જિલ્‍લાના નાગરિકોએ સોશિયલ ડિસ્‍ટન્‍સ, માસ્‍ક તેમજ સેનિટાઇઝરનો ઉપયોગ કરી તેનાંથી બચવાની લોકોને અપીલ કરી હતી. જિલ્‍લાની ટીમ તથા રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના નાગરિકોની સુખાકારી માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે. પ્રજાએ પણ તેમનો સહકાર આપી આ જંગ જીતવાનો છે. ગુજરાત રાજ્યમાં વરસો વરસની પરંપરા મુજબ વન મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ખેડા જિલ્‍લામાં પણ ૭૧મા વન મહોત્‍સવની સામાજીક વનીકરણ વિભાગ, નડિયાદ દ્વારા જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તથા ગ્રામ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવશે. પર્યાવરણનો હેતુ જળવાઇ રહે તે માટે દર વર્ષે વન વિભાગ અને નડિયાદ સો મિલ એસો. દ્વારા મફત રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. ખેડા જિલ્‍લામાં આ વર્ષે ૭૫ જેટલી નર્સરીમાં ૩૬ લાખ જેટલાં રોપાઓનું વિતરણ કરવાનું આયોજન છે.

આ રોપાઓનો ઉછેર જિલ્‍લાના ખેડૂત મિત્રો, વિવિધ સંસ્‍થાઓ, સ્‍કૂલ તેમજ કેમ્પસમાં કરવામાં આવશે, જેથી પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થવાય અને જિલ્‍લામાં ગ્રીનરી વધે. વન મહોત્‍સવની કામગીરી દરમિયાન જુદી-જુદી ખાતાકીય નર્સરીઓમાં તથા વ્‍યકિતગત લાભાર્થીઓની નર્સરીમાં જુદી-જુદી પોલીથીન બેગ સાઇઝમાં સ્‍થાનિક લોકોની જરૂરીયાત મુજબના રોપાઓ ઉછેરવામાં આવે છે, જેમાં સરકારના ધારાધોરણ મુજબ મૂલ્‍યથી તેમજ વિના મૂલ્‍યે રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે ખાતાકીય વન મહોત્‍સવ હેઠળ ૨૪.૮૦ લાખ તેમજ વ્‍યકિતગત લાભાર્થીને યોજના હેઠળ ડીસીપી નર્સરી તેમજ એસએચજી ગ્રૂપ નર્સરીમાં ૧૧.૫૦ લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યાં છે.

ચાલુ વર્ષે કોરોના વાઇરસના સંક્રમણના કારણે ફેલાયેલ રોગચાળા સામે લોકોની રોગ પ્રતિકારકશક્તિ વધે તે હેતુથી વન વિભાગ દ્વારા તુલસીના ૩.૫૦ લાખ રોપાઓનું પણ વિતરણ કરવામાં આવશે. આ રોપાઓનું શહેરી તેમજ ગ્રામીણ વિસ્‍તારોમાં વૃક્ષરથ દ્વારા પણ વિના મૂલ્‍યે વિતરણ કરવામાં આવે છે. વન વિભાગ દ્વારા લોકોને વૃક્ષ પ્રત્‍યે જાગૃતિ લાવવા તેમજ આર્થિક રીતે પગભર થઇ શકે તે હેતુથી વ્‍યકિતગત લાભાર્થી યોજના હેઠળ નર્સરીઓની ફાળવણી કરી રોપાઓ ઉછેરવામાં આવે છે. આવી કુલ ૬૦ નર્સરીઓમાં ૧૧.૫૦ લાખ રોપાઓ ઉછેરવામાં આવેલ છે. નડિયાદ સો મિલ એસો. દ્વારા છ કેન્‍દ્રો પરથી દર વર્ષે લગભગ બે લાખ રોપાઓનું વિના મૂલ્‍યે વિતરણ કરવામાં આવે છે. છેલ્‍લાં કેટલાંક વર્ષોથી એગ્રો ફોરેસ્‍ટ્રી તેમજ ફાર્મ ફોરેસ્‍ટ્રીનો અભિગમ વધ્યો છે. ખેડા જિલ્‍લામાં પ્રતિ હેકટરે ૫૦થી વધુ વૃક્ષો આવેલાં છે. કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન પદે ખેડા જિલ્‍લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ, અધિક અગ્ર મુખ્‍ય વન સંરક્ષક યુ.ડી.સિંગ, જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એસ.ગઠવી, અધિક નિવાસી કલેકટર રમેશ મેરજા સહિત જિલ્‍લાના અગ્રણીઓ અને ઉચ્‍ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.