વડોદરા, તા.૨૯ 

હાઈવે પર કપુરાઈ બ્રિજ પાસે ગત મોડી રાત્રે બિનવારસી હાલતમાં પાર્ક કરાયેલી બોલેરો પીક-અપ વાનમાં તાડપત્રી નીચે છુપાવેલી વિદેશી દારૂની ૭૮૦ બોટલો ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશના બોલેરો પીક અપ વાનના ચાલક દરોડા પહેલા જ મોબાઈલ અને ફાઈલ પણ ગાડીમાં છોડીને ફરાર થયો હોવાની વિગતો મળી હતી. પોલીસે દારૂનો જથ્થો તેમજ ગાડી સહિત કુલ ૭.૬૦ લાખની મત્તા જપ્ત કરી ગાડીના ડ્રાઈવર અને માલિકની શોધખોળ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને ગત રાત્રે પેટ્રોલીંગ દરમિયાન માહિતી મળી હતી કે હાઈવે પર અમદાવાદથી સુરત તરફ જવાના માર્ગ પર કપુરાઈબ્રિજના સર્વિસ રોડ પર એમપી-૪૩-જી-૨૪૦૨ નંબરની એક બોલેરો પીક-અપ વાન પાર્ક કરાયેલી છે અને તેની તાડપત્રીની નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો છે. આ માહિતીના પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઉક્ત નંબરવાળી મહાકાલ રોડ લાઈન્સની અને ધાર પોલીસના લોકલ પાસ લગાવેલી બોલેરો પીક-અપ વાન બિનવારસી હાલતમાં મળી હતી.

દરોડો અગાઉ જ તેનો ડ્રાઈવર ફરાર હોઈ પોલીસે પીક અપ વાનના પાછળની તાડપત્રી હટાવી હતી જેમાં તાડપત્રી નીચેથી વિદેશી દારૂના બોક્સ મળ્યા હતા. પોલીસે આ બોક્સમાંથી બીગપાઈપર વ્હસ્કીની કાચની ૫૪૦ બોટલ તેમજ રોયલ બાર પ્રેસ્ટીજ ગ્રેઈન વ્હસ્કીની પ્લાસ્ટીકની ૨૪૦ બોટલ કબજે કરી હતી. વધુ તપાસમાં ડ્રાઈવરની સીટ પાસે એક કી પેડવાળો મોબાઈલ,ગોધરા ટોલ પ્લાઝાની સ્લીપ અને ગાડીના કાગળોના નકલોની ફાઈલ મળી હતી. પોલીસે ગાડી અને દારૂના જથ્થા સહિત કુલ ૭,૬૦,૧૦૦ની મત્તા જપ્ત કરી ગાડીના ફરાર ડ્રાઈવર અને માલિક સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તેઓની શોધખોળ શરૂ કરી છે.