ભોજન સમારંભમાં રર૬ને ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ
05, ડિસેમ્બર 2022 594   |  

વડોદરા, તા.૪

-જિલ્લામાં લગ્નપ્રસંગની મોસમ પૂરબહાર ખીલી રહી છે અને નાના મોટા લગ્ન સમારોહ યોજાઈ રહ્યા છે. તેવા સમયે શહેર નજીક ભાયલી ગામના પેટાપરા ગામ એવા રાયપુરા ગામે આયોજિત એક લગ્ન સમારંભમાં આવેલા આમંત્રિત મહેમાનો પૈકી ૨૨૬ લોકોને લગ્નપ્રસંગમાં દૂધની બનાવટની સ્વીટ આરોગ્ય બાદ ખોરાકી ઝેરની અસર થતાં પેટમાં અસહ્ય દુઃખાવો, ઊલટીઓ-ઉબકાઓની ફરિયાદ સાથે સારવાર માટે તમામને ગોત્રી જનરલ હોસ્પિટલ અને કેટલાકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે જિલ્લા કલેકટર, મુખ્ય જિલ્લા આરોગ્ય મહિલા તબીબ અધિકારી, ડભોઈના ધારાસભ્ય, કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર સહિતના દોડી આવ્યા હતા અને તમામ લોકોને સારવાર માટે વ્યવસ્થા કરાવી હતી. જાે કે, તમામની હાલત સ્ટેબલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આ પૈકી ૧૯ જેટલા લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. જાે કે, વિધાનસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ અને ચૂંટણીની કામગીરીની વ્યવસ્તતા સમયે જ આ બનાવ બનતાં સરકારી અધિકારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી.

શહેર-જિલ્લામાં લગ્નપ્રસંગોની મોસમ પૂરબહાર ખીલી રહી છે તેની સાથે સાથે વિધાનસભાની ચૂંટણીનો માહોલ પણ ચાલી રહ્યો છે. તેવા સમયે શહેર નજીક ભાયલી ગામના પેટાપરા એવા રાયપુરા ગામે રહેતા બળવંતસિંહ મગનસિંહ પઢિયારના ઘરે લગ્નપ્રસંગ હતો. આ લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો આવ્યા હતા. લગ્નપ્રસંગના ભોજન સમારંભમાં આવેલ આમંત્રિત મહેમાનો પૈકી કેટલાક લોકોએ દૂધમાંથી બનાવેલ મેંગાડિલાઈટ વાનગી આરોગી હતી. ભોજન કર્યાના થોડા સમય બાદ કેટલાક લોકોને ખોરાકી ઝેરની અસર થતાં પેટમાં અસહ્ય દુઃખાવો, ઊલટીઓ અને ઉબકા શરૂ થયા હતા. એક પછી એક એમ રર૬ લોકોને સામૂહિક ખોરાકી ઝેરની અસર થતાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. આ તમામ લોકોને ૧૦૮ મારફત સારવાર માટે ગોત્રી ખાતેની જીએમઈઆરએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ખોરાકી ઝેરની માસ કેઝયુલિટી આવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ચકચાર મચી જવા પામી હતી. આ સમાચારના પગલે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત જિલ્લા કલેકટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણ મોડી રાત્રે ગોત્રી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તદ્‌ઉપરાંત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, કાઉન્સિલર શ્રીરંગ આયરે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને તમામને સઘન સારવાર અપાવવાની વ્યવસ્થા કરી હતી. જાે કે, ગોત્રી હોસ્પિટલમાં ૧૧૦, પાદરા ખાતે ૧૦૦ લોકોને તેમજ અન્યને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં ૧૯ લોકોની તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution