વડોદરા, તા. ૧૨

ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા અને વન વિભાગ દ્વારા બરાનપુરા વિસ્તારમાં રહેતા એક પુરુષના ઘરમાંથી સંગ્રહિત કરેલા જમીન પરના તેમજ દરીયાઈ વન્યજીવો સહિતના ૨૩ વન્ય જીવો મળી આવતા તમામ જીવોનું રેસ્કયુ કરીને વન્યજીવ સંગ્રહીત કરનાર વ્યક્તિની વિરુધ્ધમાં સીડ્યુઅલ - ૧માં આવતા જીવને અનુંસધાનમાં રાખીને ફરીયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા દ્વારા વન્યજીવોને મુક્ત કરવા માટેની પહેલ ચલાવવામાં આવી રહી છે ત્યારે સંસ્થાના વડા રાજેશ ભાવસારને મળેલ ગુપ્ત માહિતીને આધારે તપાસ હાથ ધરતા બરાનપુરા વિસ્તારમાં આવેલ વ્રજ સાંઈ એપાર્ટમેન્ટમાં રહેતા રાણા ધર્મવીર પ્રવિણસિંહના ઘરે વન્યજીવોને રસાયણમાં મુકીને સંગ્રહ કર્યો હોવાનું જણાઈ આવતા તેઓએ વન વિભાગને સાથે રાખીને રેઈડ પાડતા ત્યાંથી મોટી સંખ્યામાં વન્યજીવો મળી આવ્યા હતા. રસાયણમાં સંગ્રહીત કરવા માટેની પરવાનગી ઝૂઓલોજી વિભાગ કે અન્ય સંસ્થાઓ જેની પાસે અધિકૃત લાયસન્સ ધરાવતા લોકોને જ હોય છે ત્યારે લાયસન્સ વિના ઘરમાં સંગ્રહિત કરેલા બે જમીન પરના કાચબા જીવતા મળી આવ્યા હતા. જ્યારે દરિયાઇ વન્ય જીવ જે રસાયણ માં રાખવામાં આવ્યા હતા જેમાં દરિયાઇ ઘોડા, દરિયાઇ કોરલ, જેલી ફિશ, વાત ફિશ, ક્રેબ, સ્ટાર ફિશ, ફ્રોગ, ઓક્ટોપસ, મીની શાર્ક સહિતના ૨૩ વન્ય જીવો મળી આવ્યા હતા.જેથી તમામ વન્યજીવોનું રેસ્કયુ કરીને રાણા ધર્મવીરની વિરુધ્ધમાં વન્ય જીવ અધિનિયમ ૧૯૭૨ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ અનેક વાર ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા દ્વારા રેઈડ પાડીને અનેક વન્ય જીવોને બચાવવામાં આવ્યા હતા. તેઓએ અપીલ કરી છે કે કોઈ પણ વન્ય જીવોને પીંજરામાં પુરી રાખવા કે તેના પર ક્રુરતા કરવી એ એક ગુનો છે માટે કોઈ પણ વન્યજીવોને પાળ્યા હોય તો તેઓ સ્વંય વન વિભાગ ખાતે આવી વન્યજીવોને સોંપીને કડક કાર્યવાહીમાં રાહત મેળવીને જીવોને મુક્ત કરી શકે.