વડોદરા, તા.૭

વડોદરા શહેરમાં તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળાની સાથે કોરોનાએ માથું ઊંચકતાં મક્કમ ગતિથી આગળ વધતાં ચિંતાજનક કેસોમાં ઉછાળો આવ્યો છે. આજે દિવસ દરમિયાન કોરોના પોઝિટિવના નવા ર૫ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. એટલું જ નહીં, કોરોનાના કેસોની જે પ્રમાણે સંખ્યામાં વધારો સામે આવી રહ્યો છે જેના કારણે લોકોમાં ફરી એકવાર કોરોનાની દહેશત વ્યાપી છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પર અંકુશ મેળવવા માટે નગરવાસીઓમાં માગ ઊઠી છે.

હાલ વડોદરા શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને પગલે હાલ ૧૭૮ જેટલા દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે. જેમાં ૧૭૧ દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. જ્યારે ૧ દર્દી વેન્ટિલેટર ઉપર અને ૩ દર્દીઓને ઓક્સિજન ઉપર સારવાર આપવામાં આવી રહી છે. આજે વિવિધ વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી દરમિયાન ૫૬૫ જેટલા શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતા લોકોના સેમ્પલો લેવાયા હતા જેમાં નવા ર૫ કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. પૂર્વ ઝોન વિસ્તારમાંથી ૨, પશ્ચિમ ઝોન વિસ્તારમાંથી ૯, ઉત્તર ઝોન વિસ્તારમાંથી ૩ અને દક્ષિણ ઝોન વિસ્તારમાંથી ૧૧ મળી કુલ નવા ર૫ કેસ સામે આવ્યા હતા. અલબત્ત, કોરોનાએ શહેરના ચારેય ઝોન વિસ્તારમાં ફરી એકવાર માથું ઊંચકતાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે.